વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારોને મુકત કરાવવા લેવાયો મહત્વનો નિર્ણય  
                                       
                  
				  				   
				   
                  				  ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી એ જણાવ્યું છે કે,રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.જેના ભાગરૂપે આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે જેમાં રાજય પોલીસ દળના ઉચ્ચ અધિકારી ઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા કસુરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.
				  										
							
																							
									  
	 
	ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમા જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.
				  
	 
	મંત્રીએ ઉમેર્યું કે,સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો(Money Lender) વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાં થી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજયના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પણ આપી છે.
				  																		
											
									  
	 
	તેમણે વધુમાં જણાવ્યું છેકે, ગુજરાત પોલીસના તમામ સીનીયર અધિકારીઓ જેવા કે પીઆઈ, ડીવાયએસપી, ડીએસપી અને મહાનગર હોય તો કમિશ્નર સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય નાગરિકે પોલીસ મથકે જઈને ફરિયાદ ના આપવી પડે તે માટે ગુજરાત પોલીસ મુહિમ શરુ કરશે.આવતી કાલ થી સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે.તેમણે ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરતા કહ્યું કે,કોઈ પણ વ્યાજખોરની હેરાનગતિ હોય કે ત્રાસ હોય તો કોઈ પણ જાતનો ડર રાખતા નહી આ તમામ લોકોને પહોંચી વળવા માટે પોલીસ સદાય તત્પર છે અને રહેશેજ આપને સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.
				  																	
									  
	 
	સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે,કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરીને લોકોને પરેશાન કરે છે.જેના પરિણામે કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે.આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી જેને સફળતા મળતા આ મોડલ રાજયભરમાં અમલી બનાવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.