1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 8 જાન્યુઆરી 2023 (16:41 IST)

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ, G20 દેશ લેશે ભાગ

ગુજરાતમાં ખાસ કરીને મકરસંક્રાંતિ નિમિત્તે લોકો પોતાના ઘરની છત પર પતંગ ઉડાવે છે, પરંતુ આ 14 જાન્યુઆરીએ પતંગ ઉડાડતા પહેલા 8 થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.
 
કોરોના રોગચાળાને કારણે બે વર્ષના ગાળા બાદ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ G20 પર રાખવામાં આવી છે. આ પતંગ મહોત્સવમાં જી-20ના તમામ દેશો પણ ભાગ લેશે.
 
આ પતંગ મહોત્સવમાં G20 થીમ 'One Earth one Family, One Future'ના પતંગો પણ જોવા મળશે. જી-20 દેશોના પતંગબાજોની સાથે રાજકીય પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. વિશ્વના ૬૮ દેશોના ૧૨૬ પતંગબાજો અને ભારતના ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો સહભાગી થયા છે. 
 
આ વર્ષનો પતંગ મહોત્સવ G-20ની થીમ 'વસુધૈવ કુટુંમ્બકમ - વિશ્વ એક પરિવાર'ના ભાવ સાથે ગુજરાતભરમાં ઉજવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે. વડાપ્રધાનએ ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી છે. ગુજરાતનો પતંગ મહોત્સવ હવે ઈન્ટરનેશનલ એટ્રેક્શન બની ગયો છે. પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે ₹૬૨૫ કરોડનું છે. ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છે.
 
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉદ્ઘાટન
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 જાન્યુઆરીએ સવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાવનારા લોકો પરેડમાં G20 પ્રિન્ટેડ ટી-શર્ટ અને કેપ પણ પહેરશે.
 
સેલ્ફી બૂથ, પતંગ ઉડાવવાની તાલીમ
ગુજરાતના આકાશમાં આ વખતે G20 થીમ આધારિત પતંગો પણ ઉડતી જોવા મળશે સાથે જ ખાસ સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકો G20, એક ધરતી, એક પરિવાર અને એક ભવિષ્યની થીમ સાથે સેલ્ફી લઈ શકશે. પતંગ બનાવવા અને ઉડાવવાની તાલીમ માટે અહીં કેટલાક ખાસ લોકો પણ હાજર રહેશે. પતંગ મહોત્સવમાં પતંગોના સમૃદ્ધ ઈતિહાસનો થીમ સ્ટેજ સજાવવામાં આવી રહ્યો છે.