સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (18:22 IST)

અમદાવાદમાં સવારે ૬થી રાત્રે ૧ર વાગ્યા સુધી મેટ્રો રેલ દોડાવો, લોકોની માંગ

વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં શહેરીજનો દ્વારા મેટ્રો મળવાના સમયમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.વસ્ત્રાલથી થલતેજ સુધીના ૨૧ કિલોમીટરના અંતરને મેટ્રો ૩૦ મિનિટમાં કાપે છે. તેમજ દર વીસ મિનિટે એક મેટ્રો બંને તરફના સ્ટેશન પરથી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે થલતેજથી વસ્ત્રાલ તરફ જવાની સવારની પહેલી મેટ્રો ૯.૦૪ વાગ્યે મળે છે અને રાત્રિના છેલ્લી ૮.૦૪ વાગ્યે મળે છે. જ્યારે વસ્ત્રાલથી થલતેજ તરફ જવાની સવારની પહેલી મેટ્રો ૯.૩૫ વાગ્યે અને રાત્રિના ૮.૩૫ વાગ્યે મળે છે. સવારે નવ વાગ્યા પહેલા અને રાત્રે સાડા આઠ પછી મેટ્રો ની સેવા બંધ હોવાથી શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે. પૂર્વ અને પશ્ચિમ ના વિસ્તારોમાં આવેલ વિવિધ કોલેજો, યુનિવસટીઓ તેમજ ઓફિસ કે નોકરી-ધંધે જતા કેટલાય લોકોને સવારે વહેલું જવાનું તેમજ રાત્રે મોડું આવવાનું હોવાથી તેઓ મેટ્રો નો લાભ લઇ શકતા નથી.ઉપરાંત કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર વહેલી સવારે અને રાત્રિના સાડા આઠ વાગ્યા પછી આવતી ટ્રેનના મુસાફરોને અન્ય વિકલ્પો દ્વારા પોતાના ઘરે કે કાર્યસ્થળે પહોંચવું પડે છે. જેથી તેઓ પણ મેટ્રો સેવાના લાભથી વંચિત રહે છે. ઉપરાંત જો મેટ્રોનો સમય વધારી દેવામાં આવે તો શહેરના કાલુપુર, સારંગપુર, ત્રણ દરવાજા સહિતના વિવિધ વસ્તુઓના બજારો ધરાવતા વિસ્તારોમાં શહેરમાંથી તેમજ બહારના શહેર કે રાજ્યમાંથી ખરીદદારી કરવા આવતા લોકો માટે ઘરે, બસસ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પહોંચવામાં પણ સરળતા થઈ શકે છે. પરિણામે શહેરીજનો દ્વારા પ્રથમ મેટ્રો સવારના ૬ વાગ્યાથી તેમજ છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧-૧૨ વાગ્યા સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠવાવામાં આવી રહી છે.

એક તરફ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછા સમયમાં લોકો પહોંચી શકે માટે તંત્ર દ્વારા બીઆરટીએસ અને મેટ્રો રેલ શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ મેટ્રોના પિલર પાસે જાહેર માર્ગ પર વાહનોના દબાણના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. શહેરના વિવિધ મેટ્રો સ્ટેશનના પિલર નીચે લોકો પોતાની રીક્ષા, મોટરસાયકલ, કાર, માલસામાનની રીક્ષાઓ, લારીઓ વગેરે પાર્ક કરી દે છે. પરિણામે અન્ય વાહનચાલકોને ભારે તકલીફ પડે છે. યુ ટર્ન લેવા માટે જ્યાં ડીવાઈડર પૂરું થતું હોય અને બે પિલર વચ્ચે જગ્યા હોય ત્યાં વાહનો પાર્ક કરવાથી લોકોને યુ ટર્ન માટે દૂર સુધી જવું પડે છે. ઉપરાંત મેટ્રોના કારણે ઘણી જગ્યાએ રસ્તા સાંકડા થઈ ગયા છે, ત્યાં વાહન પાર્ક કરવાના કારણે રસ્તા વધુ સાંકડા બન્યા છે તેવું શહેરીજનોનું કહેવું છે.