1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (17:05 IST)

અમદાવાદમાં ગોમતીપુરના કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી અજાણ્યા શખસે પૈસા પડાવ્યા

- અજાણ્યા શખસે ફેક ફેસબુક આઇડી બનાવીને લોકો પાસેથી પૈસા પડાવ્યા.
-વ્યક્તિ ફેસબુક પર પૈસા માંગે અથવા ફોનમાં મેસેજ કરી પૈસા માંગે તો આપવા નહીં
-સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
 
ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખના નામનું અજાણ્યા શખસે ફેક ફેસબુક આઇડી બનાવીને લોકો પાસેથી પૈસા પડાવ્યા. લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જે વ્યક્તિ સ્વીકારે તેમની સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર માગીને ત્યારબાદ હોસ્પિટલના કામ માટે પૈસાની જરુરિયાત છે એવું કહી પૈસા મગાવતો. આ ઘટનાની જાણ કોર્પોરેટરને થતા તેઓએ તુરંત જ આ ઘટના અંગે એક વીડિયો જાહેર કરીને લોકોને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેમના નામ પર પૈસા માગે તો આપવા નહી.ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ તેમના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે.

તે મારા મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. મોબાઈલ નંબર માગે છે, ત્યારબાદ હોસ્પિટલના નામથી પૈસા માંગે છે. હું કોઈ જગ્યાએ ફસાયો છું. મને પૈસા આપો આવા મેસેજ કરીને મારા નામથી કોઈ વ્યક્તિ ફ્રોડ કરી રહ્યું છે. જેથી, તમામ મિત્રોને વિનંતી છે કે, આવા કોઈપણ મેસેજ આવે અથવા તો ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તેને એક્સેપ્ટ કરવી નહીં. આ મામલે મેં સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાવી છે.હું તમામ મિત્રોને સાવચેત કરવા માંગુ છું કે, મારા નામથી કોઈ વ્યક્તિ ફેસબુક પર પૈસા માંગે અથવા ફોનમાં મેસેજ કરી પૈસા માંગે તો આપવા નહીં. એક મોબાઈલ નંબર છે જે નંબર ઉપરથી મેસેજ કરી અને પૈસા માંગવામાં આવી રહ્યા છે તેમજ બેન્ક એકાઉન્ટની વિગતો પણ આપવામાં આવી રહી છે. આ તમામ બાબતોને લઈને ઈકબાલ શેખે હાલમાં તો સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. ઈકબાલ શેખ અવારનવાર હોસ્પિટલમાં દાખલ થતા અથવા હોસ્પિટલના બાબતે તેઓ લોકોને મદદ કરતા હોય છે, જેથી તેના નામે પણ પૈસા માંગવામાં આવી રહ્યા છે.