રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (08:49 IST)

ગોધરા સિવિલ હોસ્પિટલમાં 3 બાળકોને એક્સપાયર થયેલા બોટલ ચઢાવી દેવાઈ

ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક વોર્ડમાં સરવાર લેવા આવેલા બીમાર બાળકને એક્સપાયરી ડેટનો બોટલ ચઢાવીને ગંભીર બેદરકારી કરતાં ઉહાપોહ મચી ગયો હતો. હાજર નર્સોએ એક્સપાયરી ડેટના બોટલને બદલી કાઢયો હતો. જયારે એક્સપાયરી ડેટ વાળો બોટલ ચઢાવતા બાળકનો વિડિયો વાઇરલ થયો હતો. વોર્ડમાંથી એક્સપાયરી ડેટનો બોટલ ડસ્ટબીનમાંથી મળી આવ્યો હતો. સિવિલ હોસ્પિટલે તાત્કાલિક બોટલ બદલીનો નવો બોટલ ચઢાવ્યો હોવાનું કબુલ્યુ હતું. જિલ્લાની પ્રજા માટે આશીર્વાદરૂપ ગોધરાની સિવિલ જાણે અભિશાપ બની હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

વાયરલ વીડિયોમાં સિવિલના પીડીયાટ્રીક વોર્ડમાં બીમાર બાળકને એક્સપાયરી ડેટનો બોટલ ચઢવવામાં આવી રહ્યો છે. ગોધરા સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં ડેન્ગ્યૂ અને મલેરિયાના 60 જેટલા બાળકો સારવાર લઇ રહ્યા છે. ત્યારે અહીં સારવાર લેવા માટે આવેલા બાળકોને એક્સપાયરી ડેટ વાળો બોટલ ચઢાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ દર્દીના સગા દ્વારા ફરજ પરના તબીબ અને અન્ય સ્ટાફને કરવામાં આવતા મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીના સગા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી એક્સપાયરી ડેટ વાળો બોટલ ચઢાવવાનું ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ દર્દીના વાલી દ્વારા કરવામાં આવ્યો હતો. વોર્ડના હાજર દર્દીઓના સગાઓએ 3 જેટલા બાળદર્દીઓને ચઢાવવામાં આવી રહેલા આવા એક્સપાયરી ડેટના બોટલ કાઢી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. તપાસ કરતા પીડિયાટ્રિક વોર્ડમાં રાખવામાં આવેલા ડસ્ટબીનમાંથી એક્સપાયરી ડેટવાળા બોટલ મળ્યા હતા.

આ મામલે ઉપસ્થિત તબીબને પૂછતાં તબીબ દ્વારા આ ગંભીર બેદરકારી સામે કાંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટના બોટલ કેમ રાખવામાં આવ્યા? સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતી તમામ દવાઓ માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા હોઈ છે. ત્યારે દર્દીઓને ચઢાવવાના બોટલ એક્સપાયરી થયાને 3 માસ વીતવા છતાં પણ આ બોટલ પીડિયાટ્રિક વોર્ડ સુધી પહોંચ્યા કેવી રીતે? પીડિયાટ્રિક વોર્ડના દર્દીઓને બોટલ ચઢાવતી વખતે ફરજ પરના તબીબ અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પણ કાળજી લેવામાં કેમ ન આવી? આ તમામ સવાલો વચ્ચે હવે જવાબદારો સામે કેવા પગલાં ભરશે તે પણ એક પ્રશ્ન છે.સિવિલના પીડિયાટ્રીક વોર્ડમાં એક્સપાયરી ડેટ વાળો બોટલ ચઢાવ્યા બાદ ખબર પડતા તરત જ બદલી દીધો છે. એક્સપાયરી ડેટનો બોટલ કેવી રીતે આવ્યો તેની તપાસ કરીશું જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરીશુ એમ સિવિલ હોસ્પિટલ ગોધરાના સીડીએમઓ મોનાબેને જણાવ્યું હતું.