શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (14:21 IST)

દશેરાના દિને મુખ્યમંત્રી સુરત શહેર-જિલ્લામાં કરોડોના વિકાસકામોની ભેટ ધરશે

રાજયના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.૧૫મી ઓકટોબર-દશેરાના દિવસે પ્રથમવાર સુરતના મહેમાન બની રહ્યા છે. મુખ્યમંત્રી સુરત શહેર-જિલ્લામાં કરોડોના વિકાસકામોની ભેટ ધરશે. તેઓ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે બપોરે ૧૨.૦૦ વાગે સુરત મહાનગરપાલિકા, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ, આરોગ્ય વિભાગ તથા આદિજાતિ વિભાગના વિવિધ વિકાસકીય પ્રકલ્પોનું ઓનલાઈન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
 
મહાનગરપાલિકાના રૂા.૭૪.૯૫ કરોડના ખર્ચના વિકાસકામોનું લોકાર્પણ તથા રૂા.૫૯.૨૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂા.૩૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસોની ઓનલાઈન અનાવરણવિધિ સંપન્ન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેર-જિલ્લામાં રૂા.૫.૫૪ કરોડના ખર્ચે ૬ ઓક્સિજન પ્લાન્ટ અને ૧૬ એમ્બ્યુલન્સોનું વચ્યુર્અલ લોકાર્પણ થશે. આ ઉપરાંત આદિજાતિ વિભાગની આદિજાતિ વિસ્તારના દીકરા-દીકરીઓને ઘર આંગણે શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. જેના ભાગરૂપે રૂ.૬૦.૨૯ કરોડના ખર્ચે ત્રણ જેટલા છાત્રાલયોનું પણ ઓનલાઈન ખાતમુહૂર્ત સંપન્ન થશે.
 
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજીત રૂા.૭૪.૯૫ કરોડના ખર્ચે સાકારિત કચ્છ જિલ્લાના સુખસાણ ખાતે રોહા નખત્રાણા સાઈટ ખાતે ૬.૩ મે.ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટ, શાળાનું મકાન, ફાયર સ્ટેશન, આંગણવાડી, વોર્ડ ઓફિસ જેવા વિવિધ પ્રકલ્પો તથા રૂા.૫૯.૬૪ કરોડના ખર્ચે સાકારિત થનાર ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાર્ટસ, અદ્યત સુવિધાઓથી સજ્જ આધુનિક વાહન ડેપો, શાળા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્લોટ ફરતે કપાઉન્ડ વોલ તથા રૂા.૩૫ કરોડના ખર્ચે સાકારિત થનારા સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસોની તકતીઓની ઓનલાઈન અનાવરણવિધિ સંપન્ન થશે.
 
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે આરોગ્યતંત્ર સાધન સુવિધાઓથી સજ્જ બની રહ્યું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે  સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ, મહુવા તાલુકાના અનાવલ અને મહુવા તાલુકા મથકે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સુરત મિનરલ ફંડના સહયોગથી કુલ રૂ.૧.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત કુલ ૭૫૦ LPM ક્ષમતાના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ્સનું ઈ-લોકાર્પણ થશે.
 
જ્યારે માંડવી ખાતે PM કેર્સ ફંડના સહયોગથી રૂ.૫૫.૪૬ લાખના ખર્ચે નિર્મિત ૫૦૦ LPM ક્ષમતાના એક ઓક્સિજન પ્લાન્ટ તથા નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એલ.એન્ડ ટી.ના સહયોગથી એક કરોડના ખર્ચે ૭૫૦ LPM અને એસ્સારના સહયોગથી રૂા.૫૦ લાખના ખર્ચે ૩૫૦ LPM ક્ષમતાના એમ બે ઓક્સિજન પ્લાન્ટ્સનું દર્દીઓની સેવામાં ખુલ્લા મૂકાશે. આ ઉપરાંત સચિન નોટીફાઈડ એરિયા' એસોસિએશનના સહયોગથી અનુદાનિત કુલ રૂ.૨.૦૪ કરોડની ૧૬ એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ સંપન્ન થશે.
         
આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા માંડવી ખાતે રૂ.૧૪ કરોડના ખર્ચે માંડવી ખાતે ૨૪૬ કન્યાઓ રહી શકે તે માટેની ગર્લ્સ હોસ્ટેલ, મહુવા ખાતે રૂા.૩૧ કરોડના ખર્ચે ૩૨૦ વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળા અને મહુવા ખાતે રૂા.૧૫.૨૨ કરોડના ખર્ચે ૩૨૪ વિદ્યાર્થીઓ માટે અદ્યતન કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્ન થશે.
 
આ પ્રસંગે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પ્રભુભાઈ વસાવા તથા ધારાસભ્યઓ, મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષઓ, કોપોરેટરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.