ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (18:37 IST)

ગાંધીનગરમાં ઘોડી પર સવાર વરરાજા પર હુમલો, દલિત યુવકની જાન રોકી

- જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું
-વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો
-વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે
 
જિલ્લાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા નહોતો દીધો. જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે
ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા પરિવારના સભ્યો તેમના પુત્ર વિકાસના લગ્ન હોવાથી જાન લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામ પહોંચ્યા હતા. 12 ફેબ્રુઆરીએ પરિવારના સભ્યો જ્યારે ચડાસણ ગામના ચોકમાં પહોંચ્યા ત્યારે સામેથી દીકરી પક્ષના લોકો સામૈયું લઈને આવ્યા હતા. જાનૈયાઓ ડીજેના તાલે નાચતા નાચતા કન્યાપક્ષના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા એક શખ્સે ઘોડી પર સવાર વરરાજાની ફેટ પકડીને નીચે ઉતાર્યો હતો. શખ્સે કહ્યું હતું કે, દલિતોએ વરઘોડો નહીં કાઢવાનો ગામનો રિવાજ ખબર નથી? વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે. ગાળો બોલી રહેલા શખ્સને જાનૈયાઓએ શાંત પાડવાનો પ્રયાસ કરતા આ સમયે અન્ય ત્રણ લોકો તેનું ઉપરાણું લઈને આવ્યા હતા અને જાનૈયાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી.
 
આરોપીઓએ વરરાજાને કારમાં પણ બેસવા દીધો ન હતો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચાર શખ્સોએ વરઘોડો અટકાવી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો. ઘોડી વાળાને ધમાકાવી ઘટનાસ્થળેથી ભગાડી મૂક્યો હતો. જાનૈયાઓએ વરરાજાને કારમાં બેસાડી લગ્નમંડપ સુધી જવાનું નક્કી કરતા આરોપીઓએ વરરાજાને કારમાં પણ બેસવા દીધો ન હતો. વરઘોડા દરમિયાન બબાલ થતા પરિવારના સભ્યોએ 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવી લીધી હતી. બાદમાં લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ વરઘોડામાં તોફાન મચાવનારા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશકમાર જીવણજી ઠાકોર, સમીરકુમાર દિનેશજી ઠાકોર અને અશ્વિનકુમાર રજૂજી ઠાકોર નામના ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.