સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2023 (19:18 IST)

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના નામે છેતરપિંડીનો પ્રયાસ, નેતાઓના ઘરે પાર્સલ મોકલી 1500 રૂપિયા માંગ્યા

CR Patil
CR Patil
નવસારી અને નડિયાદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નામનો દુરુપયોગ કરી છેતરપિંડીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં રહેતા ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી શીતલ સોની અને નડિયાદમાં રહેતા પ્રદેશ મંત્રી જાનવી વ્યાસના ઘર પર પાર્સલ મોકલવામાં આવ્યું હતું, જે છોડાવવા માટે 1500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ બાબતે નેતાઓને શંકા જતાં પાટીલની ઓફિસ પર સંપર્ક કરવામાં આવ્યો તો માલૂમ પડ્યું હતું કે ત્યાંથી કોઈ પાર્સલ મોકલવામાં જ આવ્યું નથી, જેથી મહિલા નેતાઓ છેતરાતાં બચી ગયાં હતાં.

આ પ્રકારની છેતરપિંડી અન્ય કાર્યકર્તાઓ કે નેતાઓ સાથે ન થાય એ માટે મહિલા નેતા શીતલ સોની અને જાનવી વ્યાસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી તમામને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. પ્રદેશ મંત્રી શીતલ સોનીનું કહેવું છે કે પ્રદેશ ભાજપની ઓફિસ પરથી કોઈ પાર્સલ આવે અને એ છોડાવવા માટે પૈસા માગવામાં આવે એવું બને જ નહીં. આ બાબતે તેમને શંકા જતાં સી.આર.પાટીલની ઓફિસ પર ફોન કરી તપાસ કરવામાં આવી હતી, જેથી ખબર પડી હતી કે ત્યાંથી કોઈ પાર્સલ મોકલવામાં જ આવ્યું નથી. આ જાણકારી મળ્યા બાદ શીતલ સોની દ્વારા પાર્સલનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.અન્ય કોઈ નેતા કે કાર્યકર્તા સાથે આ પ્રકારનો બનાવ બનતો અટકે એ માટે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી તમામને જાગ્રત કરવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે આજે મારા પર પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નામથી એક પાર્સલ આવ્યું, જેમાં 1500 રૂપિયા આપીને છોડાવવા માટે કહ્યું હતું. જો કે મારી પ્રદેશ પ્રમુખના કાર્યાલય પર અને તેમની સાથે વાત થતાં તેમણે જણાવ્યું હતું કે આવું કોઈ પાર્સલ ત્યાંથી મોકલવામાં આવ્યું નથી, આથી આપ સૌને જાણ કરું છું કે આવું કોઈ પાર્સલ તમારા પાસે આવે તો તે એક ફ્રોડ છે, પૈસા આપીને છોડાવશો નહીં. કેસ ઓન ડીલવરી હોય શંકા જતાં અમે આ પાર્સલ તોડ્યુ નહોતું અને તેને રીર્ટન કરી દીધુ હોવાની વાત જણાવી છે.