બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑક્ટોબર 2020 (15:10 IST)

પ્રસાદ પર પ્રતિબંધથી મીઠાઇ ઉદ્યોગને અધધધ.. કરોડના નુકસાનની ભીતિ

ગુજરાતમાં કોરોનાનો કહેર આતંક યથાવત છે. દરરોજ 1000થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. કોરોનાના કારણે ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે મીઠાઇ ઉદ્યોગનો ધંધો ભાંગી પડ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 6 મહિનામાં ધંધો માત્ર 20 ટકા જેટલો રહ્યો છે જેના લીધે 700 કરોડનું નુકસાન થયું છે. 
ત્યારે દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોની સિઝનમાં સરકાર દ્વારા પ્રસાદ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે દિવાળીમાં કોર્પોરેટ ગિફ્ટના ઓર્ડર નહી મળે તો વધુ 700 કરોડનું નુકસાન વેઠવું પડશે. આમ, ગુજરાતના મીઠાઈ ઉદ્યોગને 1400 કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે.
 
આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા મુખ્યમંત્રી સ્તરે રજૂઆત કરી વચગાળાનો રસ્તો કાઢવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસ પહેલાં સમગ્ર રાજ્યનાં મીઠાઇના વેપારીઓની મીટિંગ મળી હતી, જેમાં આ મુદ્દે ચર્ચાઓ થઇ હતી.
 
ગુજરાત રાજ્ય મીઠાઇ-ફરસાણ વેપારી મહામંડળનાં અધ્યક્ષ કિશોર શેઠે જણાવ્યું હતું કે અમે નવરાત્રિમાં પ્રસાદ પર પ્રતિબંધના નિર્ણયને વખોડીએ છીએ. નવરાત્રિમાં માતાજીના નૈવેદ્ય અને પ્રસાદ વિના અધૂરી છે, આવે વિકટ પરિસ્થિતિમાં સરકાર કોઇ રસ્તો કાઢે તો વેપારીઓને રાહત મળે તેમ છે. 
 
જો પ્રસાદને વ્યક્તિદીઠ પેકેટમાં બાંધીને એક ટેબલ પર મૂકી દેવાય તો એનાથી કોરોના ફેલાય તેવું કોઇ જોખમ નથી. બીજા બધા ફૂડ કે ધંધામાં જેમ ગ્લોવ્ઝ પહેરીને વિતરણ થાય છે તેમ પ્રસાદનું વિતરણ પણ થઇ કેમ ન શકે. પ્રસાદ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાય એ માટે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવશે.
 
જો સરકાર વ્યક્તિગત પેકેટ બનાવીને પ્રસાદ વેચવા પર મંજૂરી આપે તો એનો બગાડ પણ નહીં થાય અને કોરોનાની ગાઇડલાઇન્સ અમલી પણ થઇ શકે. મીઠાઇ ઉદ્યોગ પર લાખો લોકો નભે છે. હાલમાં ધંધો માંડ 15થી 20 ટકા રહી ગયો છે. સરકારે તેમનું વિચારવું જોઇએ. નવરાત્રિ અને દશેરા ધંધા માટે મહત્ત્વનાં છે. સાત મહિનામાં સૌથી વધુ મીઠાઇ ઉદ્યોગને ભોગવવાનું આવ્યું છે. જો ફૂડથી કોવિડ ફેલાતો હોય તો હોટલ, રેસ્ટોરાંમાં પણ ફૂડ અપાય છે. સરકારે પ્રસાદ બાબતે રસ્તો કાઢવો જોઇએ. વેપારીઓને મોટું નુકસાન થશે.