મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 માર્ચ 2022 (12:03 IST)

બનાસકાંઠા: 5 હજાર ખેડૂતો ઉતર્યા રસ્તા પર - છેવાડાના વિસ્તારોમાં નહેર તો પહોંચી, પણ સમયસર નહીં

બનાસકાંઠાના હજારો ખેડૂતો પાણી માટે ટ્રેક્ટરો લઈ રસ્તા પર ઊતર્યા,કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની સમસ્યા કંઇ નવી નથી. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે રણ વિસ્તારમાં કેનાલો તો બનાવી છે, પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી. બીજી તરફ, પહાડી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. એક સપ્તાહ બાદ ખેડૂતોએ આજે ફરી ટ્રેક્ટર રેલી કાઢી છે. આજની રેલીમાં 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે, જેઓ કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે. મહત્ત્વનું છે કે એશિયાનું પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી અને દૈનિક 50 લાખ લિટરથી વધુ દૂધનું સંપાદન કરતી બનાસ ડેરી છે છતાં પાણી માટે ખેડૂતોને રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે.બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના છેવાડાના વિસ્તારોમાં પણ નહેર તો પહોંચી ગઇ છે, પણ એમાં સમયસર પાણી અપાતું નથી. તો ઘણા વિસ્તારોમાં હજુ નહેર નથી પહોંચી. જ્યારે પાણીનાં તળ ઊંડાં જતાં જિલ્લાના મોટા ભાગનાં તળાવો કોરાં ધાકોર પડ્યાં છે. ત્યારે પાણીને લઇને ખેડૂતો હવે રસ્તા પર ઊતર્યા છે.ગત સોમવારે જિલ્લાના ખેડૂતોએ પાલનપુરમાં ધનિયાણા ચાર રસ્તાથી મૌનરેલી કાઢી પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આજે ફરી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે. પાલનપુરના મલાણા તળાવ પર 5 હજારથી વધુ ખેડૂતોએ એકઠા થઈ કરી ગંગા આરતી કરી રેલી કાઢી છે.ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીમાં અલગ અલગ ગામડાંમાંથી 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે. જ્યારે હજુ પણ વધુ ખેડૂતો જોડાઇ રહ્યા છે, જેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ખેડૂતોની મુખ્ય માગ તળાવોમાં પાણી ભરવા તેમજ સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવાની છે.જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. જ્યારે વાવના સરહદી ગામડાંમાં નહેર તો પહોંચી છે, પણ સમયસર પાણી મળતું નથી. તો ધાનેરા-થરાદ વિસ્તારમાં સુજલામ-સુફલામમાં પાણી છોડવાની પણ ખેડૂતોની માગ છે.