બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :વડોદરા: , શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (11:53 IST)

પ્રજાના પરસેવાના પૈસે ખરીદેલા મોંઘા આઇફોન, વિવાદ બાદ વિપક્ષના નેતાએ કર્યો પરત

વડોદરા શહેરમાં ગંદુ પાણી, ઠેર-ઠેર ખાડા-ભૂવા, અપૂરતું પાણી જેવી શહેરી સમસ્યાઓનો નિકાલ થતો નથી જેના લીધે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરા પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના ખર્ચે મોંઘાદાટ આઇફોન ખરીદ્યા છે. જેને લઇને હાલ વડોદરા મહાનગરપાલિકામાં વિવાદ સળગ્યો હતો. જો કે, આ વિવાદ બાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન મહાનગરપાલિકાને પરત આપ્યો છે.
 
2 વર્ષથી પાલિકાની તિજોરી ડચકાં ખાઇ રહી છે અને પગારનાં નાણાં ચૂકવવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના શાસક, વિપક્ષ અને અધિકારીઓ દ્વારા પ્રજાના પૈસે એપલ કંપનીના મોંઘાદાટ આઈફોન ખરીદવા મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓમાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યા છે. કારણ કે પ્રજાના પૈસે તેઓ તાગડધિન્ના કરી રહ્યા છે.
 
નવરાત્રિને ગણીને બે દિવસ બાકી છે. તેમ છતાં શહેરના માર્ગોમાં પડેલા ખાડા પુરવામાં પાલિકા તંત્રને રસ નથી. પરંતુ મોંઘા મોબાઈલ ફોન રાખવામાં રસ છે. જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે.
 
જો કે, ત્યારબાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત મહાનગરપાલિકામાં પરત કર્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોઈ વિવાદ ઉભો થયો જ નથી. વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. પ્રણાલિકા પ્રમાણે મોબાઈલ આપ્યો. વિવાદ જ્યારે થયો તેના બાદ મને મોબાઈલ પાછો આપવામાં કહેવામાં આવ્યું, તો મેં પરત આપ્યો. મને તો સામેથી ફોન આપ્યો હતો. આ બધુ સત્તાધારી પાર્ટીએ નક્કી કર્યું છે.
 
ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 1.24 લાખની કિંમતે કોર્પોરેશનના રૂપિયે મોબાઈલ ખરીદ્યો હતો. તો બીજી તરફ વડોદરા પાલિકામાં મોબાઈલ વિવાદના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે નિવેદન આપ્યું કે, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો મોબાઈલ જમા કરાવવાનો નિર્ણય તેમનો અંગત છે. હું મોબાઈલ જમા કરાવવાનો નથી. પ્રજાની સેવા કરવા માટે મોબાઈલ જરૂરી છે.