બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (11:29 IST)

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે માત્ર મહંત અને ટ્રસ્ટીઓની હાજરીમાં જ રથપૂજન થશે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવશે. 24મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી એ મામલે હજી નિર્ણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આવતીકાલે મહંત દિલીપદાસજી અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં જ રથનું પૂજન કરવામાં આવશે. અન્ય કોઈ વ્યક્તિઓની હાજરી રહેશે નહીં. 24મી જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. જૂન મહિનામાં કેવી પરિસ્થિતિ છે એને જોઈને નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવશે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાના કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરીને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. મહામારી કોરોનાને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનનાં દર્શન કર્યા હતા. ગત વર્ષની જેમ ઢોલ-નગારાં સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા, રથયાત્રા માટે 14 હાથીને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. દરેક રથ પર 10 ખલાસીને રહેવા મંજૂરી મળી હતી. રથ પર જાય એ પહેલાં તમામનું થર્મલગનથી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યા હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.