સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 જાન્યુઆરી 2023 (13:19 IST)

બીલીમોરા બર્ડ-પાર્ક પ્રાકૃતિક જ્ઞાન સંવર્ધનનું નવલું નજરાણું, ૩૦ પ્રજાતિના ૨૫૫ પક્ષીઓ મળશે જોવા

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તાજેતરમાં વિવિધ દેશના પક્ષીઓ સમાવતું ખાસ પક્ષીઘર લોકચાહનાનું અને મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ પક્ષીઘરમાં ૩૦ પ્રજાતિના ૨૫૫ પક્ષીઓ જોવા મળી રહયાં છે.
 
બીલીમોરા બર્ડ પાર્કમાં વિવિધ એકઝોટિક બર્ડ રાખવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિ સહિતના વિવિધ દેશોના પક્ષીઓનો સમાવેશ કરાયો છે. મુલાકાતીઓને પક્ષીઓના પ્રજાતિ વિશે વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ છે. ઉપરાંત રંગબેરંગી માછલીઓ, બતકની જોડીઓ, ઇગુઆના ( મોટા કાચીંડા) , ગીની પીગ અને સસલા પણ બર્ડ પાર્કમાં છે.
 
આ બર્ડપાર્કનો મુખ્ય હેતુ એ છે કે સ્થાનિક તથા આસપાસના વિસ્તારોમાં લોકોમાં વિવિધ પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ અંગે જાગૃતતા વધે. અહીં પક્ષીઓ માટે તૈયાર કરાયેલા ઘાસ, છોડ અને ઝાડના પ્લાન્ટેશનને પણ તેને અનુરૂપ જ લગાવવામાં આવ્યા છે. અહીનું વાતાવરણ પક્ષીઓ માટે સાનુકૂળ રહ્યું છે. જેથી પક્ષીઓ ઈંડા મુકતા પણ થયા છે.
 
બીલીમોરા બર્ડ પાર્કના સંચાલક આદિત્યભાઇ દેસાઈ ( ઓરનીથોલોજીસ્ટ- પક્ષીવિદ્)  જણાવે છે કે વિવિધ દેશોના પક્ષીઓને જોવાનો આનંદ હવે અહીના લોકો તથા બાજુમાં સોમનાથ મહાદેવના મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓ લઈ શકશે. આ પાર્કમાં એકઝોટિક પક્ષીઓ વિશાળ પાંજરામાં  (વોક વે એવીયરી) રાખવામાં આવ્યાં છે. આ બર્ડ પાર્કની  ડિઝાઇન, સમાવિષ્ટ પ્રજાતિઓ તેમજ પક્ષીઓની સારસંભાળ ગુણવત્તાસભર રીતે કરાઇ રહી છે. વધુમાં તેમણે અપીલ કરતા જણાવ્યું કે લોકો આની મુલાકાત બાળકો તથા વિદ્યાર્થીઓ સાથે  એક્ઝોટીક બર્ડ પાર્કની મુલાકાત અચૂક લેવી જેથી પક્ષીઓ વિશેના પ્રાકૃતિક જ્ઞાન સંવર્ધનમાં ચોક્કસ વધારો થાય.  
 
બીલીમોરા નગરપાલિકા દ્વારા ૩૨૧૯૨ ચો.ફુટના વિસ્તારમાં ફેલાયેલા ગાર્ડનનું નવીનીકરણ કરી આ બર્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કમાં રૂા.૩૩.૭૫ લાખના ખર્ચે વિશાળ પાંજરાઓ ઉભા કરવામાં આવ્યાં છે. જયાં મુલાકાતીઓ પક્ષીઓની જુદી જુદી ૩૦ પ્રજાતિના ૨૫૫ જેટલા પક્ષીઓને કુદરતી વાતાવરણમાં વિહાર કરતા માણી શકશે. અહીં નાના બાળકો માટે પ્લે એરિયા તથા ગાર્ડન સ્પેસ, કેન્ટીન અને રેસ્ટ હાઉસની સુવિધાઓ રાખી છે. મુલાકાતીઓ અહીં વોક વે એવીયરી પર ચાલીને પક્ષીઓને સ્પર્શીને ફીડીંગ પણ કરાવી શકે છે. સાથે સેલ્ફી તથા ફોટો પણ લઇ શકે છે.  
 
બીલીમોરા એકઝોટિક બર્ડ પાર્કમાં જોવા મળનાર પક્ષીઓ
આ એકઝોટિક બર્ડ પાર્કમાં લવેન્ડર વેક્સબીલ, ઝેબ્રા ફિન્ચ, બેંગોલી ફિન્ચ, ગૌલ્ડીયન ફિન્ચ, સ્ટાર ફિન્ચ , ઇટાલિયન ફિન્ચ, રેડ વેલવેટ ફિન્ચ , જાવા સ્પેરો, પેરાકીટની નાની પ્રજાતી, રેડ રમ્પ્ડ પેરાકીટ, યેલો બ્લ્યુ રમ્પ્ડ , કોકાટીલ, બજરીગર પેરાકીટ, ક્રિમસન બેલીડ પેરાકીટ ,બ્લ્યુ મોંક પેરાકીટ ,આફ્રિકન લવ બર્ડ, મકાઉ બ્લ્યુ, ગોલ્ડ મકાઉ, મકાઉ ગ્રીન વિંગ, ઇલેકટસ પેરોટ , આફ્રિકન ગ્રે પેરોટ, સન ક્નુર પેરોટ,બ્લુ ગ્રીન ચીકડ પેરાકીટ, યેલો સાઈડેડ ક્નુર, સ્વાઇનસન લોરીકીટ, ડસ્કી લોરી કીટ, બ્લેક હેડેડ કાઈટ પેરોટ, ગોલ્ડન ફ્રીઝન્ટ, સિલ્વર ફ્રીઝન્ટ.