શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (16:24 IST)

શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાના આરોપી ટ્રસ્ટી ભરત મહંતને કોર્ટે જામીન આપ્યા

શ્રેય હોસ્પિટલ દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓ હોસ્પિટલની બેદરકારીના કારણે સળગીને મૃત્યુ પામ્યા હતા અને પોલીસે હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત વિજયદાસ મહંતની ધરપકડ કરી મેટ્રોપોલિટન કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જો કે પોલીસે જામીનપાત્ર કલમો લગાવી હોવાથી કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી ભરત મહંતને પંદર હજારના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યો છે. આરોપી ટ્રસ્ટી ભરત મહંતની ગઇકાલે રાત્રે ધરપકડ કર્યા બાદ તેને આજે મેટ્રોપોલિટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેના પાંચ દિવસના રિમાન્ડ માટે રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને કેસની તપાસ અત્યારે ચાલી રહી છે. તપાસ માટે આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે. કેસને લગતાં કેટલાંક દસ્તાવેજો જપ્ત કરવાના છે અને આ દસ્તાવેજનો કબ્જો આરોપી પાસે છે. આ ઉપરાંત કેસના અન્ય આરોપી અત્યારે ફરાર છે, તેમને શોધવા અને ધરપકડ કરવા આરોપીની પૂછપરછ થવી જરૂરી છે. આરોપીએ હોસ્પિટલ માટે મંજૂરી લીધી ત્યારે કયા-કયા દસ્તાવેજો રજૂ કર્યા હતા તે જાણવું જરૂરી છે. આ દસ્તાવેજો જપ્ત કરી તપાસ કરવી જરૂરી છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ કોર્ટે આરોપીના પાંચ દિવસના જામીન આપવા જોઇએ. જો કે જામીનપાત્ર કલમો હોવાથી ભરત મહંત તરફથી જામીનની માગણી કરવામાં આવી હતી. કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી આરોપીને રૂપિયા 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. ભરત મહંતને મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા છે પરંતુ સરકાર તેની ધરપકડ અને રિમાન્ડ માટે ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. તેથી અત્યારે ચર્ચાએ જોર પકડયું છે કે જો સરકાર ભરત મહંતની ધરપકડ અને રિમાન્ડ માટે ઇચ્છુક હશે તો તે ઉપરની અદાલતોમાં અપીલ માટે તૈયારી કરશે. શ્રેય અગ્નિકાંડ આયલો ગંભીર અને ભયાનક હોવા છતાં પોલીસે ભરત મહંત સહિતના લોકો સામે જામીનપાત્ર કલમો જ નોંધી હોવાથી પોલીસ અને સરકારના ઇરાદાઓ પર અનેક શંકાઓ ઉઠી રહી છે અને મૃતકોના સગાંઓમાં પણ રોષની લાગણી વ્યાપી ગઇ છે.  દુર્ઘટનાના પાંચ દિવસ સુધી પોલીસ એફ.એસ.એલ. રિપોર્ટ અને નિષ્ણાતોના અભિપ્રાયની રાહ જોઇ રહી હતી. પાંચ દિવસ બાદ અચાનક આ કેસમાં આસિસન્ટન્ટ કમિશનર એલ.બી. ઝાલાએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાયાના બે દિવસ બાદ મુખ્ય ટ્રસ્ટીની ધરપકડ કરાઇ છે. સરકાર અને પોલીસ આ કેસમાં 'ડીલે ટેક્ટિક' એટલે કે બને તેટલો વધુ વિલંબ અને ઢીલ રાખીને આરોપીઓને મોકળાશ આપી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. અગ્નિકાંડમા બનાવના પાંચ દિવસ બાદ પોલીસ ફરિયાદ તેમજ સાત દિવસ બાદ મુખ્ય ટ્રસ્ટીની ધરપકડ થઈ હતી અને પોલીસે જામીનપાત્ર કલમો લગાવી હોવાથી ભરત મહંતને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તેથી ફરાર થયેલા અન્ય આરોપીઓ પણ આવી જ રીતે ધરપકડથી બચવા આગામી દિવસોમાં આગોતરા જામીન અરજી કરે તેવી શક્યતા છે.