સંબંધિત સમાચાર
- NFSUનો નવો કીર્તિમાન: સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડી રોકવા માટેના MBA કોર્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ધસારો
- મોરબીમાં SOGનો મોટો સપાટો: નવલખી રોડ પરથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકાન માલિક ઝબ્બે
- અમદાવાદ-સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દેખાવકારોની અટકાયત
- દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત શહેર પાણી-પાણી; પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી
- સુરત: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે માંગરોળની મુલાકાતે
વડોદરા-ભરૂચ હાઈવે પર આજથી નવો ટોલ ટેક્સ લાગુ: કાર, બસ અને ટ્રક માટે હવે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?
Bharat Mala Expressway
વડોદરાથી ભરૂચ અને દહેગામ વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોના ખિસ્સા પર હવે વધારાનો બોજ પડશે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે (NE-4) પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આજથી ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે કાર અને વાન માટે રૂ. 5, એલસીવી (LCV) માટે રૂ. 10, બસ અને ટ્રક માટે રૂ. 20 તેમજ થ્રી-એક્સલ વાહનો માટે રૂ. 25 સુધીનો ટોલ વધારો અમલી બન્યો છે.
આ ચાર ટોલ પ્લાઝા પર લાગુ થયા નવા દર:
વડોદરા જિલ્લામાંથી પસાર થતા આ એક્સપ્રેસ વે પર આવેલા મુખ્ય ચાર ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે હવે વાહનચાલકોએ વધુ રકમ ચૂકવવી પડશે. જેમાં દોડકા, ફાજલપુર, સમીયાલા અને સાંપા ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળે આજથી જ વાહન શ્રેણી મુજબ નવા દર લાગુ કરી દેવામાં આવ્યા છે.
વાહન પ્રમાણે નવા ટોલ દરની વિગત:
નવા સુધારા મુજબ, કાર, જીપ અને વાન માટે દોડકા ખાતે રૂ. 210 (પહેલા 205), ફાજલપુરમાં રૂ. 200 (પહેલા 195), સમીયાલામાં રૂ. 130 (પહેલા 125) થયા છે, જ્યારે સાંપા ખાતે જૂનો દર રૂ. 90 યથાવત રખાયો છે. એલસીવી (LCV) વાહનો માટે દોડકા રૂ. 340, ફાજલપુર રૂ. 320, સમીયાલા રૂ. 210 અને સાંપા ખાતે રૂ. 115 વસૂલાશે. બસ અને ટ્રક માટે દોડકા ખાતે દર વધીને રૂ. 685, ફાજલપુરમાં રૂ. 670, સમીયાલામાં રૂ. 440 અને સાંપામાં રૂ. 240 થયો છે. આ ઉપરાંત થ્રી-એક્સલ વાહનો માટે દોડકા રૂ. 670, ફાજલપુર રૂ. 635, સમીયાલા રૂ. 480 અને સાંપા ખાતે રૂ. 265 નો નવો દર લાગુ કરાયો છે.
ત્રણ મહિનામાં જ રાહતનો અંત:
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક્સપ્રેસ વે પર માત્ર 3 મહિના પહેલા જ વાહનચાલકોને મોટી રાહત આપતા ટોલ દરોમાં 20 થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, આ રાહત ટૂંકા ગાળાની સાબિત થઈ છે અને હવે ફરી 5 ટકાનો વધારો કરાયો છે. ઓક્ટોબર 2024માં વસૂલાત શરૂ થયા બાદ આ રૂટ પર વાહનોની અવરજવર સતત વધી રહી છે, જેથી વડોદરા અને ભરૂચ વચ્ચે નિયમિત પ્રવાસ કરતા લોકોને હવે દૈનિક ધોરણે વધારાનો ખર્ચ ભોગવવો પડશે.
