અમદાવાદ-સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દેખાવકારોની અટકાયત
દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા હવે ગુજરાતના સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં આજે, 20 જુલાઈના રોજ યોજાયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર કડક કાર્યવાહી કરી હતી. પોલીસ દેખાવકારો પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ, સુરતમાં પણ આ આંદોલનના સમર્થનમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
Photo Credit: X
સુરત કલેક્ટર કચેરી ખાતે યુવાનોનો હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર
દિલ્હીમાં સોનમ વાંગચુક અને તેમના સમર્થકો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો એકત્ર થયા હતા. સોનમ વાંગચુકના સમર્થનમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પ્રદર્શનમાં જોડાયેલા તમામ લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસ્વીરો પકડી રાખી હતી અને 'ઇન્કલાબ જિંદાબાદ' ના પ્રચંડ નારાઓ લગાવીને સમગ્ર પરિસર ગજવી મૂક્યું હતું.
કેન્દ્રીય મંત્રીના રાજીનામાની માંગ અને તટસ્થ તપાસની અપીલ
સુરતમાં એકત્રિત થયેલા પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીને ન્યાય આપવા સરકારને અપીલ કરી હતી. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે પોતાની વાજબી માંગણીઓ રજૂ કરનારા નાગરિકો પર પોલીસ દ્વારા આ પ્રકારનો બળપ્રયોગ બિલકુલ સાંખી શકાય નહીં. યુવાનોએ માંગ કરી છે કે સરકાર લદ્દાખના હિતો અને સોનમ વાંગચુકની માંગણીઓ પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લે.
