શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (07:48 IST)

દારુ વિના ચૂંટણી જીતી ના શકાય એવો ભાજપના સાંસદનો વિવાદિત બફાટ

શિસ્તની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકાર ગુજરાતમાં દારૃબંધીનો ભલે ગમે તેવો દાવો કરતી હોય, પણ ગોધરાના સર્કિટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોની બેઠકમાં પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૃ વગર ચૂંટણી જીતી શકાતી નથી. પંચમહાલ જિલ્લામાં મને કોઇ હરાવી શકે તેમ છે જ નહીં. આગામી ત્રણ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડવાનો છું. પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરોના પડતરપ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ આજે ગોધરામાં રાખવામાં આવ્યો હતો.

આવેદનપત્ર આપતા પહેલા ગોધરા સર્કિટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં  પ્રભાતસિંહ ચૌહાણ સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયા હતા તેમણે કહ્યું હતું કે ગત લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં પણ હું ૨.૫ લાખની બહુમતીથી જીતવાનો જ છું. પહેલાં પણ ચૂંટણી વાઇન વગર જીતાતી ન હોતી. જોકે મેં દારૃ જોયો નથી. હું ચુસ્ત વ્યક્તિ છું. તેમ જણાવતાં ઉપસ્થિત લોકો આશ્ચર્ય ચક્તિ થઈ ગયા હતા. પ્રભાતસિંહ ચૌહાણ થોડા સમય પહેલા પણ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે સભ્યોને શુભેચ્છા પાઠવવા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા ત્યારે તેમણે બફાટો કર્યો હતો કે મારી ટિકિટ કાપવાની કોઈની તાકાત નથી અને ટિકિટ કાપનાર હજુ જન્મ્યો નથી. આગામી ત્રણ ટર્મ સુધી મારી ટિકિટ પાકી છે. જો કે ગણતરીના કલાકોમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યુ હતુ. અને સ્પષ્ટ કરી હતી કે, મારૃ નિવેદન પાર્ટીલક્ષી ન હતુ. પરંતુ વિરોધીઓ માટે હતુ.