4 લેઇન એક્સપ્રેસ-વેનું કામ ચાલતુ હોવાથી ભાવનગર-ધોલેરા માર્ગ આજથી કરાયો બંધ, ડાયવર્ઝન અપાયું
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રસ્તો બંધ કરવાના નિર્ણયને તઘલખી ગણાવ્યો
4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડી આગામી 12 ડિસેમ્બર 2023 સુધી કરાયો બંધ
અમદાવાદઃ ધોલેરા અમદાવાદ 4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હવે જો અમદાવાદથી ભાવનગર જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે. આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણયને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે તઘલખી નિર્ણય ગણાવ્યો છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે તઘલખી નિર્ણય ગણાવ્યો
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયાને કહ્યું હતું કે, ભાવનગર અમદાવાદનો રસ્તો અચાનક બંધ કરવાનો નિર્ણય તઘલખી છે. 4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અપાયેલ 80 કિ.મી લાંબુ ડાયવર્ઝન યોગ્ય નથી. આ રસ્તા પર આવેલા ગામડાના લોકોને મોટી પરેશાનીનો સામનો કરવો પડશે. તેમણે આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં.
જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી
હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ, હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે. ધોલેરા એક્સપ્રેસ વે પર આવેલા ગામડાઓ માટે અલગ થી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે પર આવેલા ગામડા નાના વાહનો મારફતે બાવળીયા, ભડિયાદ થઈને જઈ શકે છે. આ જાહેરનામું આજ થી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જે પણ મુસાફરો આ જાહેરનામાનું ભંગ કરશે તે લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.