ભાવનગર તોડકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના શરતી જામીન મંજુર, ગુજરાત નહીં છોડવા કોર્ટનો આદેશ
કોર્ટે શરતી જામીન આપીને પાસપોર્ટ જમા કરાવવા તાકિદ કરી હતી
યુવરાજસિંહ ભાવનગર તોડકાંડમાં છેલ્લા ત્રણેક મહિનાથી જેલમાં હતાં
ભાવનગરઃ તાજેતરમાં જ ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના શરતી જામીન કોર્ટે મંજૂર કર્યા હતાં. તે ઉપરાંત પોલીસે યુવરાજસિંહ સામે 900 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. શિવુભા ગોહિલ વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તોડકાંડ પ્રકરણમાં કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. હવે આ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના પણ શરતી જામીન મંજુર કરવામાં આવ્યાં છે.
યુવરાજસિંહને ત્રણ મહિના બાદ જામીન મળ્યા
યુવરાજસિંહને ભાવનગર કોર્ટમાંથી ત્રણેક મહિના બાદ શરતી જામીન મળ્યાં છે. તેમને કોર્ટે ગુજરાત નહીં છોડવા આદેશ કર્યો છે અને પાસપોર્ટ જમા કરાવવા માટે પણ તાકિદ કરી છે. ભાવનગર તોડકાંડમાં છેલ્લા ત્રણેક મહિનાથી યુવરાજસિંહ જેલમાં હતાં. આ કેસમાં કુલ 128 સાક્ષીના નામ આપવામાં આવ્યા છે. જેમાંથી 17 સાક્ષીના 164 મુજબના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોના જામીન મંજૂર થયા છે. જેમાં શિવુભા, ઘનશ્યામ લાધવા, કાનભા ગોહિલ, બિપીન ત્રીવેદી, રાજુના જામીન દેશ નહીં છોડવા અને પોસપોર્ટ જમા કરાવવો તે શરતે જામીન આપ્યા હતા.
આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર હજી બાકી છેઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે અગાઉ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં, આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર હજી બાકી છે. હું બહાર આવીશ ત્યારે ઘણું બધુ બહાર આવશે.અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે ચોક્કસપણે ન્યાય થશે, પોલીસે મુકેલા પુરાવા સામે અમે પણ મજબૂત પુરાવા મુક્યા છે. અમારી પાસે પણ ઘણું બધું છે જે આવતા દિવસોમાં બહાર આવશે. આર્થિક લેતી દેતીમાં મારી હજુ પણ કોઈ પણ જગ્યાએ સંડોવણી નથી.