શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (11:32 IST)

ધારાસભ્ય મેવાણીની રેલીથી તંત્રના કપાળે પરસેવો વળ્યો, આખું ભૂજ શહેર બાનમાં લીધું

વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણી સોમવારે ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા આવવાના હોવાથી જિલ્લા પ્રશાસનનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પ્રશાસનના કપાળે કેટલો પરસેવો વળી ગયો હશે, તે બાબત એ વાતથી સ્પષ્ટ થઇ ગઇ હતી કે, મહાનુભાવોની સુરક્ષા અને ટ્રાફીક નિયમનના નામે જાહેરનામું બહાર પાડીને સંખ્યાબંધ રસ્તાઓ પર વાહનોને પ્રવેશબંધી ફરમાવતા શહેર બાનમાં લેવાયું હોય એવું ચિત્ર ઉપસ્યું હતું.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આર. પટેલે 20મી જાન્યુઆરીએ બહાર પાડેલાં જાહેરનામામાં જણાવ્યું હતું કે, ‘ભુજમાં વંચિત સમાજના વર્ષો જૂના પ્રશ્નો માટે કલેક્ટર કચેરીએ આવેદન આપવા જીજ્ઞેશ મેવાણીએ સવારે 11થી બપોરે 3 વાગ્યા દરમિયાન રેલીનું આયોજન કર્યું છે. તેમજ જીજ્ઞેશભાઇ ‘વાય’ કેટેગરીની સુરક્ષા ધરાવતા હોવાથી કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફીક નિયમન જરૂરી છે. આથી, સવારે 9થી બપોરના 4 વાગ્યા સુધી નીચેના રસ્તાઓ પર વાહનોના પ્રવેશને બંધ કરવા હુકમો કરૂં છું.’ હવે, જે રસ્તાઓ બંધ કરાયા તેમાં પીજીવીસીએલ સામે આવેલા ત્રણ રસ્તાથી જ્યુબિલી સર્કલ તરફ આવવા-જવા પર, ડીવાયએસપી બંગ્લોઝની સામે આવેલા ત્રણ રસ્તાથી જ્યુબિલી સર્કલ તરફ જવા-આવવા પર, રિલાયન્સ પેટ્રોલપંપ સર્કલથી જ્યુબિલી સર્કલ તરફ જવા-આવવા પર, જજીસ બંગલા સામે આવેલા મંગલમ તરફ જતા ત્રણ રસ્તાથી કલેક્ટર કચેરી તરફ આવવા-જવા પર, દાદા-દાદી પાર્ક ત્રણ રસ્તાથી ટાઉનહોલ તરફ આવવા-જવા પરનો સમાવેશ થયો હતો. આની સામે વૈકલ્પિક વ્યવસ્થામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ થઇ રિલાયન્સ સર્કલ તરફ, ડીવાયએસપી બંગ્લોઝની સામે આવેલા રસ્તાથી વીડી સર્કલ તરફ, રિલાયન્સ પેટ્રોલપંપ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફ અને મિરઝાપર ત્રણ રસ્તા તરફ, માંડવી તરફ આવતા રસ્તાથી મંગલમ ચાર રસ્તા થઇ અને જૂના બસ સ્ટેશન થઇ તથા ધિંગેશ્વર મંદિરની પાછળ આવેલા રસ્તા પરથી જઇ શકાશે એમ જણાવ્યું હતું.