મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2023 (15:58 IST)

ધો.10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરી શકશે, જૂની માર્કશીટના આધારે પ્રવેશ મળશે

Students
ધો.10ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય- ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય તો બીજા વર્ષે વિદ્યાર્થીને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં જ પ્રવેશ આપવામાં આવશે. અગાઉ આ નિયમ હતો, પરંતુ 3 વર્ષ અગાઉ નિયમ રદ કરવામાં આવ્યો હતો. આ નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે.

નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય ત્યારે વિદ્યાર્થીઓને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ફરીથી પરીક્ષા આપવી પડતી હતી. આ અંગે શાળા સંચાલક મંડળે અગાઉ શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ અંગે સંચાલકો આજે શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક પણ થઈ હતી. આ બેઠકને હકારાત્મક અભિગમ મળ્યો છે.ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત બોર્ડમાં જોગવાઈ હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં પ્રવેશ આપવો. પરંતુ 2021માં આ જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી અમે શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી. જેના પરિણામ શિક્ષણ વિભાગ આગામી બોર્ડના જોગવાઈમાં ફેરફાર કરશે. આગામી જૂન મહિનાથી ધોરણ 10માં નાપાસ થનારને એડમીશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ જમા કરાવીને એડમિશન મેળવવાનું રહેશે.