મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 જુલાઈ 2020 (15:07 IST)

ભાજપના માળખામાં ધરમૂળમાં ફેરફાર થશે, કેટલાયની વિકેટ ડાઉન થશે

ભાજપ હાઇકમાન્ડે પ્રદેશનું સુકાન મહારાષ્ટ્રીય નેતાના હાથમાં સોપી સૌને ચોંકાવી દીધાં છે.અત્યાર સુધી આ પદ પર પાટીદાર નેતાનો જ કબજો રહ્યો છે ત્યારે પહેલીવાર બિનગુજરાતીને પ્રદેશ પ્રમુખ સોપાયું છે. જીતુ વાઘાણી રિપીટ થશે તેવી અટકળ ખોટી પડતાં હવે નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ટીમમાં હોદ્દો મેળવવા ભાજપના નેતાઓ જ કમલમમાં આટાંફેરા મારતાં થયાંછે. આગામી દિવસોમાં ભાજપના  પ્રદેશ માળખામાં આમૂલ પરિવર્તન થઇ શકે છે જેમાં મહામંત્રીથી માંડીને અન્ય હોદ્દા પરથી કેટલાંકને પડતાં મૂકાય તેવી શક્યતા છે.  જીતુ વાઘાણીએ પ્રમુખપદ સંભાળ્યુ ત્યાર પછી સંગઠનમાં હોદ્દેદારો બદલાયાં જ નથી. હવે જયારે પ્રદેશ પ્રમુખ બદલાયાં છે ત્યારે સંગઠનને નવો ઓપ આપવા તૈયારી કરવામાં આવી  છે તેમાં ય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પદભાર સંભાળ્યા બાદ નવી ટીમ બનાવવા બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. પાટીલે સંકેત આપ્યાં છેકે,નવા પ્રદેશના માળખામાં આમૂલ બદલાવ આવશે.એટલું જ નહીં, જરૂરિયાત મુજબ સંગઠનમાં ફેરફાર થશે. સૂત્રોના મતે,ભાજપના પ્રદેશ માળખામાં 4 મહામંત્રી અને 8 પ્રદેશ મંત્રી-ઉપાધ્યક્ષ છે.આ પૈકી કેટલાંકને સંગઠનમાં પડતા મૂકાશે જયારે ઘણાં રિપિટ પણ થઇ શકે છે. ખાસ કરીને સી.આર.પાટીલ માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંગઠનને વધુ મજબૂત કરવાનો પડકાર છે  કેમ કે,બિનગુજરાતીને પ્રદેશ પ્રમુખ બનાવાતાં પાટીદારો અંદરખાને નારાજ છે. પ્રદેશ પ્રમુખની રેસમાં ઘણાં વગદાર નેતાઓના નામ ચર્ચામાં હતાં પણ અચાનક સ્કાયલેબની જેમ સી.આર.પાટીલને પ્રદેશનુ સુકાન સોંપી દેવાતા ભાજપના નેતાઓ પણ માથું ખંજવાળી રહ્યાં છે. બીજુ કે,જીતુ વાઘાણીના કાર્યકાળ દરમિયાન હોદ્દા પર ચિટકીને બેઠેલાં કેટલાંય નેતાઓને એવુ હતુંકે,વાઘાણી રિપીટ થશે અને સંગઠનમાં સૃથાન જળવાયેલું રહેશે.પણ હવે પાટીલની ટીમમાં સૃથાન મેળવવુ અઘરૂ બન્યુ છે કેમકે, ખુદ પાટીલને સંગઠનનો બહોળો અનુભવ રહ્યો છે.  આ જોતાં ભાજપના નેતાઓના કમલમમાં આટાંફેરા શરૂ થયાં છે.