1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2020 (17:28 IST)

ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી

રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે BTP(ભારતીય ટ્રાઈબલ પાર્ટી) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે. કુલ 170 મત પડ્યા હોવાથી હવે દરેક ઉમેદવારે જીતવા માટે 34 મતની જરૂર પડશે. આ પહેલા BTPના 2 ધારાસભ્યને ગણીને 172 મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને 34.40 મતની જરૂર હતી. 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે મોટું ઓપરેશન પાર પાડીને BTPના બંને ધારાસભ્યને મતદાનથી દૂર રાખવા માટે મનાવી લીધા છે. નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ટેકો પાછો ખેંચે તેવી શક્યતા છે.ભાજપ અને કોંગ્રેસે BTPના બન્ને ધારાસભ્યને છેલ્લી ઘડી સુધી મનાવ્યા હતા. પરંતુ તેઓ મતદાન કરવા આવ્યા નહોતા. વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું. બપોર સુધીમાં 172 ધારાસભ્યમાંથી 108 ધારાસભ્યએ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસના 41, ભાજપના 66 અને NCPના 1 મતનો સમાવેશ થાય છે. જ્યારે બપોર બાદ 62 મત પડ્યા હતા. જેમાં કોંગ્રેસના 24, ભાજપના 37 અને 1 અપક્ષે મતદાન કર્યું હતું.