શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2020 (13:19 IST)

હવે ભાજપ કોંગ્રેસમાંથી ત્રણ ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવા સક્રિય

એક તરફ કોરોનાથી કંટાળેલી પ્રજાએ અનલૉક-1માં મનને મક્કમ રાખીને પોતાના ધંધા રોજગાર શરુ કર્યાં છે. ત્યારે બીજી બાજુ જાણે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વગર મહેનતે કરોડો ભેગા કરી રહ્યાં છે એવી જોકસ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. રાજ્યમાં કોરોનાના ડર વચ્ચે હવે રાજ્યસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો દ્વારા આ 2 મત મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપને શંકા છે કે BTPના મત તો કૉંગ્રેસને જ મળશે. જ્યારે 1 અપક્ષ, 1 NCPના પણ કૉંગ્રેસને મળે તો પણ ભાજપે તેની ત્રણેય બેઠકો જીતવા કૉંગ્રેસમાંથી 3 ધારાસભ્યોનું ક્રોસવોટિંગ કરાવી દેવાનો ખેલ પાડી રહ્યો છે.  ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે એક તરફ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને રાજીનામા અપાવીને બાજી પોતાની તરફેણમાં કરી લીધી હતી. ત્યાં જ એનસીપીનાં ધારાસભ્યને પક્ષ દ્વારા કોંગ્રેસની તરફેણમાં મત આપવાનો આદેશ અપાતા ફરી એકવખત ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. હાલમાં વિધાનસભાની સંખ્યા 172 છે અને તેમાં ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. જ્યારે એનસીપી તથા અપક્ષ 1-1 અને BTPના બે સભ્યો વસાવા ફેમીલીના છે.  હાલની સ્થિતિ મુજબ બંને પક્ષો માટે હવે એક બેઠક જીતવા 34.6 મતોની જરુર રહેશે. અને તે 35 મત ગણાશે. એનસીપીના ધારાસભ્યને પક્ષની વ્હીપનું પાલન કરવું પડે તો સમગ્ર ખેલ એકડા-બગડા ઉપર ચાલ્યો જાય તેવા સંકેત છે. કોંગ્રેસને પક્ષ બે બેઠકો જીતવામાં સીધા 70 મતની જરુર પડે જેની પાસે હાલ 65 મત ઉપરાંત અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપીના ધારાસભ્યના મત મળે તો પણ કુલ 67 મત થાય છે અને ફરી એક વખત ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં બે મતો મહત્વના બની જશે. એનસીપીના ધારાસભ્યને જે વ્હીપ અપાયો તે માટે જ એનસીપી ગુજરાત એકમના પ્રમુખપદેથી શંકરસિંહ વાઘેલાને ખસેડાયા હતાં તે નિશ્ર્ચિત બની ગયું છે. વાઘેલાએ ભાજપ સાથે ફિકસીંગ કરીને કોઇ વ્હીપનહીં આપે તેવું નિશ્ર્ચિત બનતાં તેમને ખસેડવામાં આવ્યા હોવાનું એનસીપીના સુત્રોએ જણાવ્યું છે. હવે જો આ ધારાસભ્ય પોતે વ્હીપનો ભંગ કરે તો તે પોતાનું સભ્યપદ ગુમાવી શકે છે.