શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 જૂન 2020 (14:18 IST)

ગુજરાતમાં ભાજપનું શાસન પણ દબદબો કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોનો છે

ગુજરાતની રાજનીતિમાં બીજેપીના શાસનમાં કોંગ્રેસના નેતાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. કેડરબેઝ મનાતી પાર્ટીમાં કોંગ્રેસનાં નેતાઓ સત્તાનું સુખ ભોગવી રહ્યા છે, બીજી તરફ સંગઠનને મજબૂત કરવામાં આખી જિંદગી ઘસી નાખનાર નેતાઓ અને કાર્યકરોએ મો વકાસીને જોઈ રહેવું પડે છે.  ગુજરાતમાં સત્તા ટકાવવા માટે સતત તડજોડની રાજનીતિનો આશરો લઈ કૉંગ્રેસના મજબૂત મનાતા નેતાઓને પોતાની તરફ સેરવી લીધા છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2007માં યોજાયેલી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના સિનિયર MLA નીમાબેન આચાર્ય અને ઉમરગામના MLA શંકર વારલીને બીજેપીમાં જોડીને કૉંગ્રેસમાં ગાબડું પાડ્યું હતું. ગુજરાત વિધાનસભાની વર્ષ 2012ની ચૂંટણીમાં કૉંગ્રેસના લાલસિંહ વડોદરિયા, પરેશ વસાવા, કુંવરજી હળપતિ, દેવજી ફતેપરા, નરહરિ અમિન, બ્રિજરાજસિંહ જાડેજા જેવા નેતાઓને બીજેપીએ જોડયા હતા. જેનો સીધો લાભ વિધાનસભાની ચૂંટણીમાં મળતા બીજેપીને ફરીવાર સત્તા પ્રાપ્ત થઈ હતી. મહત્વની વાત તો એ છે વર્ષ 2007 થી વર્ષ 2020 દરમિયાન કૉંગ્રેસ છોડી બીજેપીમાં આવનાર નેતાઓ માટે રેડ કાર્પેટ પાથરી સ્વાગત કરાયું હતું.મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારમાં કૉંગ્રેસી ગોત્ર ધરાવતા પ્રધાનોનો દબદબો જોવા મળી રહ્યો છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા, પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન ઈશ્વર પરમાર, પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મુખ્ય દંડક પંકજ દેસાઈ સહિત કૉંગી નેતાઓનો બીજેપીના શાસન માં દબદબો છે.માત્ર સરકારની વાત નથી, સંસદ અને ધારાસભ્ય પદ માટે પણ બીજેપી સિવાયના પક્ષોના નેતાઓનો પ્રભાવ જોવા મળ્યો છે. ખેડાના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, બનાસકાંઠાના સંસદ સભ્ય પરબત પટેલ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, રાજ્યસભાના સાંસદ સભ્ય જુગલજી ઠાકોર સહિત કેટલાય નેતાઓને બીજેપીએ સરકારમાં સ્થાન આપ્યું છે. બીજી તરફ સંગઠન અને સરકાર માટે સદૈવ નિષ્ઠાથી કાર્યકરો અને નેતાઓને મહત્ત્વના પદો માટે લાયક ન ગણવામાં આવતા નારાજગી જોવા મળી રહી છે. જોકે, શિસ્તબદ્ધ ગણાતી બીજેપીમાં  નેતાઓ અને કાર્યકરો મૌન સેવીને બેઠા છે. આ વાત સંઘ પરિવાર અને બીજેપી માટે બૂમરેંગ થઈ શકે છે.