ભાજપ અધ્યક્ષ અમિત શાહે ‘મેરા પરિવાર, ભાજપ પરિવાર’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ હવે ગુજરાતમાં શરુ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી થતાં કાર્યકરોએ તેમને વાજતે ગાજતે વધાવી લીધા હતાં. ત્યાર બાદ અમિત શાહે થલતેજ સ્થિત પોતાના ઘરેથી ભાજપના અત્યંત મહત્વના એવા ‘મેરા પરિવાર, ભાજપ પરિવાર’ અભિયાનને લીલીઝંડી આપી છે. આ અભિયાન અંતર્ગત લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે પાંચ કરોડ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલશે જેમાં ભાજપ પાંચ કરોડ ઘરોમાં પક્ષનો ધ્વજ ફરકાવશે.
ભાજપના કાર્યકરો અને તેના હિતેચ્છુઓને પણ આવરી લેવાશે. ‘ભાજપનો ધ્વજ એ વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રીયતાનું પ્રતિક છે. જે મોદી શાસનમાં ખુશી અને જાતિવાદ તેમજ પરિવારવાદના અંતને સુચવે છે,’ તેમ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું. આ અભિયાનમાં મોટાપાયે ભાજપ નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. ભાજપના સૂત્રોના મતે લોકસભા ચૂંટણી અગાઉ આ એક વિશાળ જનસંપર્ક અભિયાન છે અને ભાજપ આ અભિયાન દ્વારા કુલ 20 કરોડ (ઘરદીઠ ચાર લોકો સરેરાશ) લોકો સુધી પ્રચાર પ્રસાર કરશે. આ ઉપરાંત પક્ષ દ્વારા વિવિધ યોજનાઓ જન ધન, શૌચાલય, મુદ્રા લોન અને એલપીજી જોડાણના લાભાર્થીઓ સુધી પણ પહોંચશે અને તેમનો સહકાર તેમજ સમર્થન માંગશે.