શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (13:49 IST)

અમદાવાદની આ કોલેજમાં વાર્ષિકોત્સવમાં જિજ્ઞેશ મેવાણીને આમંત્રણથી હોબાળોઃ કાર્યક્રમ રદ

અમદાવાદની એચ.કે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મંગળવારે વાર્ષિક દિનની ઉજવણીનું આયોજન હતું. આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આમંત્રણ અપાયું હતું. આ મુદ્દે કોલેજના વિદ્યાર્થીઓ અને એલ્યુમ્નીએ વિરોધ કર્યો હતો. જોકે, જિજ્ઞેશ મેવાણીને બોલાવવા આચાર્ય મક્કમ રહેતા અંતે કોલેજના ટ્રસ્ટીઓએ આયોજન માટે હોલ આપવા ઇનકાર કરતાં પ્રિન્સિપાલે કાર્યક્રમ રદ કરવા સત્તાવાર જાહેરાત કરવી પડી હતી. આશ્રમ રોડ સ્થિત એચ.કે. કોલેજમાં દર વર્ષે NSS, NCC  સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવા વાર્ષિકોત્સવનું આયોજન થાય છે. દર વર્ષે કોઇને કોઇ મહાનુભાવને મુખ્ય મહેમાનપદે આમંત્રવામાં આવતાં હોય છે. આ વર્ષે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને બોલાવાયા હતા. જોકે, જિજ્ઞેશ મેવાણીનું નામ જાહેર થતાં જ કોલેજના જ કેટલાક વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધમાં છેવટે એલ્યુમ્ની એસો.ના સભ્યોએ પણ સૂર પૂરાવ્યો હતો.  સૂત્રો કહે છે કેટલાક વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહે તો પછી જે સ્થિતિ ઊભી થાય તે માટે કોલેજ સત્તાધીશો જવાબદાર રહેશે તેવી ચીમકી આપી હતી. અલબત્ત, પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલે કોઇપણ સંજોગોમાં વાર્ષિકોત્સવ યોજવા મક્કતા દાખવી હતી. પ્રિન્સિપાલ હેમન્તકુમાર શાહે આ અંગે લેખિત માગતા ટ્રસ્ટીઓએ લેખિતમાં પણ હોલ ફાળવવા ઇનકાર કર્યો હતો. અંતે પ્રિન્સિપાલે વાર્ષિકોત્સવ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી.