1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (12:45 IST)

ભાજપના જ વડોદરાના ધારાસભ્યએ કહ્યું કે 50 ટકા ટિકીટો સગાવાદ અને જાતિવાદમાં અપાઈ

મધુ શ્રીવાસ્તવના પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ ચૂંટણી લડશે. આજે સવારે દીપક શ્રીવાસ્તવે વડોદરા શહેરના વોર્ડ નં-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે તેમના પુત્રને ટિકિટ નહીં આપતાં મધુ શ્રીવાસ્તવ નારાજ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે, જેમનાં સગાંને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે સંસદસભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે.

ભાજપમાં 50 ટકા ટિકિટો એવા લોકોને આપવામાં આવી છે, જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે.ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારો પુત્ર 10 વર્ષથી કોર્પોરેટર છે. 60 વર્ષથી ઉપર ઉંમર હોય, ત્રણ ટર્મ થઇ ગઇ હોય તો બરાબર છે, મારો પુત્ર યંગ છે છતાં સગાવાદના નામે ખોટા બહાના કરીને ટિકિટ કાપી એનું દુઃખ છે. દીપકને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, પણ તેમાંથી તે નહીં લડે, તે ભાજપમાંથી કે અપક્ષમાંથી ફોર્મ ભરશે. તે અપક્ષમાંથી જીતશે એ નક્કી છે અને આ વાડી વિસ્તારમાં ખૂબ સેવા કરી છે. અમે દરેક જાતિના લોકોની સેવા કરી છે.

આ પહેલાં પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નારાજગી દર્શાવતાં જણાવ્યું હતું કે ઘણી પાર્ટીઓ છે. એક જ પાર્ટી પર છાપ મારી નથી. હું ભાજપનો ધારાસભ્ય છું, અમે ભાજપને વફાદાર છીએ. ચૂંટાયા પછી પણ અમે ભાજપ સાથે જ રહેવાના છીએ.