1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:12 IST)

ભૂજમાં બ્લુ વહેલ ગેમનો આતંક ધોરણ-૧૦ની દસ વિદ્યાર્થિનીઓ લોહી લુહાણ

બ્લુ વહેલ ગેમ ઉપર રાજ્યવ્યાપી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે છતાં ચૂપકીદીથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઘાતક ગેમ રમી રહ્યા છે. ભૂજની ખ્યાતનામ સ્કૂલમાં એક સાથે ૧૦ વિદ્યાર્થિનીઓએ હાથ-પગમાં કાપા મારી ગેમનો અખતરો કર્યો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવતા સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ નામનીમોબાઈલ ગેમમાં ફસાઈને મોતને ભેટયા હોવાના દાખલા તાજા જ છે ત્યાં ભૂજની જાણીતી શાળામાં ૧૦માં ધોરણની દસેક વિદ્યાર્થિનીઓએ હાથ-પગમાં બ્લેડના કાપા માર્યા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો

. ચિંતિત બનેલા શાળાના સંચાલકોએ તાત્કાલિક વાલીઓને તેની જાણ કરતાં દોડધામ મચી હતી. આ વિદ્યાર્થિનીએાએ ચારેક દિવસના ગાળામાં હાથ-પગમાં બ્લેડથી ચામડી ચીરીને અલગ-અલગ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ છોકરીઓએ શાળામાં પેન્સિલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડનો ઉપયોગ કર્યો હતો. એક છોકરીના હાથમાં કાપા જોઈને વર્ગ શિક્ષિકાએ જ્યારે પૂછયું તો તેણે છુપાવવાની કોશિશ કરી હતી. શિક્ષિકાઓને દાળમાં કંઈક કાળું લાગતાં વારંવાર પૂછવાનો પ્રયાસ કર્યો તો એક નહીં ૧૦ છોકરીઓના હાથમાં આવા નિશાન હતા અને ચાર છોકરીઓએ તો આજે જ ચીરા પાડતાં લોહી નીકળ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. તો એક છોકરીએ પગની પેનીમાં કાપા પાડીને નિશાન બનાવ્યા હતાં. શિક્ષિકાઓને વાત ગંભીર લાગતા પ્રિન્સિપાલને જાણ કરાઈ અને તુરંત પ્રિન્સિપાલે આ દશેય વિદ્યાર્થિનીઓને બોલાવી પૂછપરછ કરી, એટલું જ નહીં તાબડતોબ વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. આ અંગે શાળાની આચાર્યાનો સંપર્ક સાધતાં તેમણે હકીકતને સમર્થન આપ્યું અને કહ્યું કે, પરિપકવતનો અભાવ હોય કે દેખાદેખી હોઈ શકે. એટલે હજુ સાચું કારણ સામે આવ્યું નથી. પરંતુ નાદાનીમાં આવું કરી નાખ્યું હોઈ શકે એટલે અમે વાલીઓને જાણ કરીને તેમને છાત્રાઓ પર ધ્યાન આપવાનું જણાવ્યું છે.