1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (09:54 IST)

અમને કંઈ પણ થશે તેની જવાબદારી સરકારની રહેશે- નલિયા કાંડ પિડીતા

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નલિયા ગેંગરેપ કેસ ફરીથી ધૂંણ્યો છે. નલિયા કાંડની પીડિતા 9 મહિના બાદ આજે અમદાવાદમાં મીડિયા સમક્ષ આવી હતી. તેણે સરકાર અને ભૂજ પોલીસ સામે આક્ષેપ કર્યા છે. પીડિતાને અને તેના પતિને જાનનો ખતરો હોવાની સાથે તેની તમામ જવાબદારી સરકાર અને આરોપીઓના શીરે રહેશે તેવી વાત કહેતા રાજ્યમાં ફરીથી રાજકીય ભૂકંપ આવવાની શક્યતા છે. વડાપ્રધાન મોદીને મળવા માટે તે અમદાવાદ આવી પરંતુ ભૂજ પોલીસે તેને બહાર ન જવા દેતા તે નરેન્દ્ર મોદીને મળવા જઇ શકી ન હતી. બીજી તરફ પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેને ભૂજ પોલીસ મુખ્ય આરોપીની જગ્યાએ અન્યના ફોટો બતાવે છે, જેથી તેને ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે.

નલિયા કાંડની પીડિતા આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે મીડિયા સમક્ષ આવી હતી.પીડિતાએ મીડિયા સમક્ષ આવતા સરકાર અને તપાસ કરી રહેલી ભૂજ પોલીસ સામે સણસણતા આક્ષેપ કર્યા છે. આ બધાની વચ્ચે પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેને આટલા સમય સુધી કોઇ મદદ મળી નથી.તેમજ મહિલા આયોગે 20 હજારની સહાય કરી ત્યારબાદ બાકીની સહાય માટે સરકાર પાસે જાતે જ જવું પડશે તેમ કહે છે.પરંતુ ભૂજ પોલીસ સતત અમારી આસપાસ હોય છે અને અમને સરકાર કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી જવા દેતા નથી. પીડિતાએ એવો આક્ષેપ કર્યો છે કે તે વડાપ્રધાન મોદીને મળીને તેની વેદના કહેવા માંગતી હતી.પરંતુ 13મીએ તે આમ આદમી પાર્ટીની નેતા વંદના પટેલના ઘરે હતી ત્યારે પોલીસ ત્યાંથી તેને બહાર જ ન જવા દીધી, જેથી તે વડાપ્રધાનને મળી શકી ન હતી.તેથી તેણે આજે મીડિયા સમક્ષ આવવાનું નક્કી કર્યુ હતુ,પરંતુ આ પહેલા પણ તેને કોઇ અજાણ્યા નંબરથી મીડિયા સાથે વાત  ન કરવા માટે પાંચ લાખ રૂપિયાની ઓફર થઇ હતી. હાલ તેને કે તેના પતિની કોઇ પણ જાતની મુશ્કેલી થશે કે નુકશાન થશે તો તેના માટે જવાબદાર આરોપીઓ, તેના પરિવારજનો અને સરકાર રહેશે.પીડિતાએ એવું પણ કહ્યુ કે પોલીસ તેને વિપુલ ઠક્કર જે મુખ્ય આરોપી છે, તેની જગ્યાએ અન્ય લોકોના ફોટા બતાવે છે, જેથી હવે તેને ન્યાયની જરૂર છે જેથી તે મીડિયા સમક્ષ આવી હતી.