શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2020 (12:13 IST)

GSEB- બોર્ડની પરિક્ષાની ઉત્તરવહી રસ્તે રઝળતી મળી, શિક્ષણમંત્રીએ કહ્યું દોષીતો સામે કાર્યવાહી થશે

સોરાષ્ટ્રમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા. આ અંગે રાજકોટ DEO આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ મૂલ્યાંકન માટે જતી ઉત્તરવહીઓ છે, રાજકોટ છે જ એવું નથી. મારી પાસે હાલ 25થી 30 ઉત્તરવહીઓ જ આવી છે. 
આગામી સમયમાં શું કરવું તે માટે ગાંધીનગરથી શિક્ષણ સચિવની ટીમ રવાના થઇ ગઇ છે. તેમા માર્ગદર્શન હેઠળ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે. આ અકસ્માતે બનેલી ઘટના છે અને ઉત્તરવહીઓ બસની અંદરથી બારી ખુલી જવાના પડી ગઇ હશે. આ ઉત્તરવહીઓ અમે કબ્જે કરી છે. હું આ હાઇબોન્ડ કંપનીના ડ્રાઇવરનો આભાર માનુ છું કે તેણે ઉત્તરવહીઓ કબ્જે કરી અમને સોંપી છે. 
આ ઉત્તરવહીઓ હું ગુજરાત માધ્યમિક બોર્ડને જમા કરાવું છું. ગુજરાત માધ્યમિક બોર્ડ આ અંગે નિર્ણય કરશે. જે કોઇ વ્યક્તિ જવાબદાર હશે તેની વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ગોંડલના વીરપુર ઓવરબ્રીજ પાસેથી ધો.10ની ગુજરાતી ભાષાની ઉત્તરવહીઓ મળવાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે.