શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (11:19 IST)

સી પ્લેનના ઉડાનની તૈયારી: દીવ-ધરોઈ સહિત ચાર સ્થળોનો ટેકનીકલ અભ્યાસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સી-પ્લેન’નો ઉપયોગ કર્યા બાદ તેને પ્રવાસનમાં વિકસાવવાના પ્રયાસોને વેગ આપવાનું શરૂ કરાયું છે. ડીરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન દ્વારા ગુજરાતમાં ચારેક સ્થળોએ ટેકનીકલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં સોમનાથ-દ્વારકાનો સમાવેશ કરાયો છે. જો કે, અમદાવાદના સાબરમતી રીવરફ્રંટ કે રાજકોટના જળાશયને તેમાં સામેલ કરાયા નથી. 
ડીરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશનના ઉચ્ચ અધિકારીઓ તથા ખાનગી સલાહકારોએ સીપ્લેન પ્રવાસનની શકયતા ચકાસવા માટે ધરોઈ ડેમ, દ્વારકા સોમનાથ તથા દીવની મુલાકાત લીધી હતી.

સર્વે ટીમમાં સામેલ ટેકનીકલ સલાહકાર કેપ્ટન ઈર્શાદ અહેમદે જણાવ્યું હતું કે ઉપરોક્ત ચારેય સ્થળોએ સીપ્લેન ઉડાડવાની શકયતા ચકાસવા માટે ટેકનીકલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સાબરમતી રીવરફ્રંટ કે અન્ય સ્થળોની ભલામણ સરકારે કરી નથી. ભવિષ્યમાં કરે તો ચકાસાશે.
ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગના ડાયરેકટર કેપ્ટન અજય ચૌહાણે કહ્યું કે ચોકકસ માપદંડોના આધારે સીપ્લેન ઉડાડવા માટેના સ્થળો પસંદ થતા હોય છે. સોમનાથ-દ્વારકા નકક કરાયા છે. ધરોઈને સામેલ કરવા પણ ભલામણ કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રીવરફ્રંટને લાગેવળગે છે ત્યાં સુધી તે એરપોર્ટની નજીક છે. સતત વિમાની ટ્રાફીક રહેતો હોય છે. સુરક્ષા કારણોસર સીપ્લેન પ્રોજેકટમાં સામેલ કરવા ખાસ કાળજી લેવી પડે તેમ છે. વીવીઆઈપી માટે એકાદ વખત વિમાની ટ્રાફીક કંટ્રોલ થઈ શકે, કાયમી ધોરણે મુશ્કેલ છે.
આખરી નિર્ણય કેન્દ્ર અને રાજય સરકારોએ લેવાનો રહેશે. રાજય સરકાર દ્વારા સીપ્લેન પ્રવાસન નીતિ ઘડવામાં આવી છે અને ચાલુ વર્ષના બજેટમાં ખાસ નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે. રાજયમાં આંતરિક ઉડ્ડયન સેવા માટે અપાતી સહાય જેવી જ છુટછાટ સીપ્લેન પ્રવાસન માટે સુચવવામાં આવી છે. કેન્દ્ર સરકારની પણ વધારાની સહાય મળવાની આશા છે. સીપ્લેન પ્રવાસન વિશે તુર્તમાં વિસ્તૃત રીપોર્ટ સોપાશે