1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 મે 2018 (17:07 IST)

કચ્છના છેવાડાનાં ગામોમાં નર્મદાનાં નીર પહોંચાડ્યાં હોવાના દાવાની પોલ ખૂલી

કચ્છના અંતરિયાળ ગામોમાં ભરઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પશુઓ તેમજ લોકો પાણી મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. કચ્છના છેવાડાનાં ગામો સુધી નર્મદાના પાણી પહોંચાડ્યા હોવાના સરકારના દાવાની પોલ ખૂલી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પર જળસંકટ તોળાઈ રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. કચ્છ જિલ્લાનાં છેવાડાનાં ગામોમાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાઈ છે.

પશુપાલન માટે જાણીતા ખાવડા પંથકમાં પાણી માટે પશુઓ તેમજ લોકો રઝળપાટ કરી રહ્યા છે. ખાવડાનાં મોટી રોહાતડ માલધારીઓને અને ગામની મહિલાઓને પીવાનાં પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ વિસ્તારનાં લોકો પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.કચ્છનાં ખાવડામાં આવેલ મોટી રોહાતડ ગામમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. પરિણામે આ વિસ્તારનાં લોકોને પીવાનાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મોટી રોહાતડ ગામમાં પશુઓ માટે હવાડા અને ગ્રામજનો માટે લાખો રૂપિયાનાં ખર્ચે પાણીના ટાંકા બનાવામાં આવ્યા હતા. પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ગામમાં પાણી પહોંચાડવામાં આવ્યું નથી. પરિણામે ગામનાં લોકોને પીવાનાં પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અઠવાડિયામાં માત્ર એક વખત આ વિસ્તારમાં પાણીનું ટેન્કર આવે છે જેને કારણે ગામની દીકરીઓએ પોતાનો અભ્યાસ મૂકીને પાણી ભરવા પડે છે. જે બાળકીઓની ઉંમર અભ્યાસ અને રમવાની છે તેમણે દૂર દૂરથી પાણીનો હાંડો માથે ઊંચકીને લાવવું પડે છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છનાં છેવાડાના ગામ સુધી નર્મદાનાં નીર પહોંચાડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે તેની વાસ્તવિક્તા ઘણી અલગ છે.