સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (14:14 IST)

કચ્છ બોર્ડર પરથી બીએસએફના જવાનોએ પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો

કચ્છના હાજીપીરથી લખપત વચ્ચેની ભારતીય સીમા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પિલ્લર નં 1127ની અંદર સુધી ઘુસી આવેલા એક પાકિસ્તાની શખ્સને બીએસએફના જવાનોએ ગુરુવારે સવારના સમય ઝડપી પાડયો હતો. આજે તેને દયાપર સ્થિત આરોગ્ય કેન્દ્ર ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો અને બીએસએફે તેને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ તેને ભુજ ખાતે મેન્ટલ હેલ્થ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો છે. પાકિસ્તાન શખ્સ ભારતીય સીમામાં વિસ્તારમાં ઘૂસી આવતા સુરક્ષા તંત્રો એલર્ટ બન્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે સવારના સમયે ભારતીય સીમા વિસ્તારમાં ફરજ બજાવતા બોર્ડર સિક્યુરીટી ફોર્સની 79 બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે છેક ભારતીય સીમા વિસ્તારના પિલ્લર નંબર 1127ની અંદર સુધી ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા એક પાકિસ્તાની શખ્સને ઝડપી પાડયો હતો, બીએસએફના હાથે ઝડપાયેલો પાકિસ્તાની શખ્સની પૂછપરછ હાથ ધરતા તે વારંવાર પોતાનું સ્ટેટમેન્ટ બદલતો હોવાનું બહાર આવ્યું છે, તો શખ્સનું નામ મોહમદ અલી હોવાનું જણાવી રહ્યો છે. મોહમદ અલી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કલીમ કી કોટનો રહેવાસી હોવાનું જણાવે છે. બીએસએફના અધિકારીના જણાવ્યા પ્રમાણે પાક નાગરિક પાસેથી પાકિસ્તાની ચલણના 100 રૂપિયા મળી આવ્યા છે, તે પાગલ નહીં પણ સ્વસ્થ છે, રણમાં આખી રાત ચાલ્યા બાદ ભારતીય સીમા પાર કરી બીલર નંબર 1127ની અંદર ઘુસી આવ્યા બીએસએફના હાથે ઝડપાઇ ગયો હતો, પાકિસ્તાની શખ્સ ઝડપાયા બાદ તમામ એજન્સીઓ દ્વારા ઝીણવટભરી વધુ પુછપરછ હાથ ધરાશે તેવા અહેવાલ મળી રહ્યા છે. તો બીજીતરફ હાલ છેલ્લાં બે  દિવસથી ભારતીય સીમા વિસ્તાર કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષાની કવાયત ચાલી રહી છે ત્યારે ગુરુવારે વહેલી સવારે પાકિસ્તાની શખ્સની બીએસએફ જવાનો દ્વારા પકડી પાડવામાં આવતાં વિવિધ સુરક્ષા એજન્સીઓમાં પણ  દોડધામ મચી ગઇ હતી.