શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (17:14 IST)

ગોંડલ નજીક કારનું ટાયર ફાટતા ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં ST બસ સાથે ધડાકાભેર અથડાઈ, 5ના મોત, 2ને ઇજા

- સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
- નેશનલ હાઇવે રક્તરંજીત બનતા અરેરાટીભર્યા દૃશ્યો જોવા મળ્યા
 
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતા તે ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
 
કાર રાજકોટથી ગોંડલ તરફ જતી હતી
 
કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને ફંગોળાઈને ડિવાઈડર ટપી ગઈ હતી અને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કારની ઉપરનો આખો ભાગ જ ઉખડી ગયો હતો. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 
સ્થાનિક લોકોએ કારમાંથી લોકોને બહાર કાઢ્યા
 
અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.