શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2020 (11:48 IST)

અમદાવાદમાં પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીનું બેરોકટોક ધૂમ વેચાણ

ચાઇનીઝ દોરીથી નિર્દોષ લોકોના ગળા કપાય છે તેમજ પક્ષીઓ પણ ઘાયલ થાય છે. જેને લઇને પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ આ  પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે કારણ કે પતંગ બજારમાં હપ્તાખાઉ પોલીસની રહેમ નજર હેઠળ આવી ઘાતક દોરીનું  ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પોલીસ એકલ દોકલ વેપારીઓને પકડીને કાર્યવાહી કરવાનો દેખાડો કરે છે. પરંતુ નરોડા, સરદારનગર રાયપુર , દરિયાપુર, કાલુપુર, વિસ્તારમાં ગોડાઉનોમાંથી  ચાઇનીઝ  દોરી બારોબાર સપ્લાય થઇ રહી છે. અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પાકા સિન્થેટીક ચાઇનીઝ  દોરીથી પતંગ ઉડાડવામાં આવતા હોવાથી  આવી ચાઇનીઝ દોરીના કારણે વાહન ચાલકોને ગળા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતી હોય છે એટલું જ નહી કેટલાક કિસ્સામાં અવસાન થતું હોય છે. તેમજ પક્ષીઓ પણ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે,  જેને લઇને શહેર પોલીસ કમિશનરે આવી દોરીના  વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.છેલ્લા બે દિવસમાં રામોલ પોલીસે ૮૦૦૦ની ચાઇનીઝ દોરી પકડી પાડી હતી જ્યારે ઇસનપુર અને નિકોલ, બાપુનગર ગોમતીપુર તથા શાહપુર અને સોલા પોલીસે એકલ દોકલ  દોરી વેચતા વેપારીઓ  સામે પોલીસ કમિશનરના જાહેરના ભંગનો ગુનો  નોંધીને કુલ રૃા. ૨૫,૦૦૦ની કિંમતની ચાઇનીઝ દોરીનો જથ્થો પકડયો હતો, ગત મંગળવારે  એસઓજી  ક્રાઇમ બ્રાંચે એસપી રિંગ રોડ પર  દસ્તાન ફાર્મ સર્કલ પરથી બોલેરો  કારમાંથીપ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૩૦૦ નંગ રેલ રૃા. ૬૬,૦૦૦નો દોરીનો જથ્થો કબજે કર્યો  હતો અને કાર સાથે પકડાયેલા દહેગામ તાલુકાના સાપા ગામના સુરેશ પોપટજી ઠાકોરની ધરપકડ કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.  જયારે સરદારનગ વિસ્તારમાંથી પણ ચાઇનીઝ દોરીના રૃા. ૨૬,૪૦૦ના કબજે કર્યા હતા અને છારનગર ફ્રી કોલાની ખાતે રહેતા ભદ્રેશ  ઉર્ફે  કાનુંડો કિરણભાઇ ગારંગેની ધરપકડ કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત વટવા પોલીસે પણ વટવા અલફલા સોસાયટી સામે ગલીમાંથી   રૃા. ૩૬ હજારની કિંમતના ચાઇનીઝ દોરી પકડી પાડી હતી તેમ છતાં હવે ઉતરાયણને આડે બે દિવસ બાકી છે ત્યારે ચોરી છૂપીથી આવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે.