શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:27 IST)

ગુજરાતમાં પણ ચોટલી કાંડ વધી રહ્યો છે. તાજી ઘટના અમદાવાદમાં બની

મહિલાઓની ચોટલીઓ કપાવવાની ઉપરાછાપરી બની રહેલી ઘટના રાજ્યમાં દહેશતનો માહોલ સર્જી રહી છે. ગઈ કાલે એક જ દિવસમાં ચોટલો કપાવવાની સાત ઘટના બન્યા બાદ આજે અમદાવાદમાં પહેલી વાર આવી ઘટના સર્જાતા પોલીસ માટે પણ આ કોયડો વધુને વધુ અઘરો બની રહ્યો છે.  અમદાવાદના નારોલ વિસ્તારમાં 15 વર્ષની છોકરીની ગઈ કાલે રાત્રે ચોટલી કપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.  પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ઉપરાંત, દમણ અને સુરતમાં પણ ચોટલી કપાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરમાં પણ સતત ત્રીજા દિવસે ચોટલી કપાવવની ત્રીજી ઘટના બની છે.  અંકલેશ્વરમાં ભોગ બનનારી મહિલાએ દાવો કર્યો હતો કે તેણે એક ભયાનક વાંદરો દેખાયો હતો અને પછી તેની ચોટલી કપાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નારોલ વિસ્તારમાં રહેતો એક પરપ્રાંતિય પરિવાર ગઈ કાલે રાત્રે ઘરના તમામ દરવાજા બંધ કરીને સૂતો હતો તે દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યે 15 વર્ષની કિશોરી અચાનક ઉઠી ગઈ હતી, અને તેણે તેની મમ્મીને પણ ઉઠાડીને તેની ચોટલી કોઈ કાપી રહ્યું છે તેમ કહ્યું હતું. છોકરીની મમ્મીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, છોકરી ખૂબ જ ડરી ગઈ હતી, અને જોર-જોરથી રડી રહી હતી. તેની ચોટલી પણ કપાયેલી હતી. જોકે, ઘરના તમામ દરવાજા અંદરથી બંધ હોવાથી ઘરમાં આ દરમિયાન કોઈ પ્રવેશ્યું હોય તેવી કોઈ શક્યતા નથી. છોકરીના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, છોકરી ખૂબ ડરેલી હતી. તે એવું બોલી રહી હતી કે ત્રણ દિવસ પછી હું મરી જઈશ. મધરાત્રે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં પણ એકઠા થઈ ગયા હતા, અને પોલીસ બોલાવવામાં આવી હતી. છોકરીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે તે સૂઈ રહી હતી તે વખતે મને લાગ્યું કે કોઈ મારી ચોટલી કાપી રહ્યું છે, અને અચાનક મારી આંખ ખૂલી તો મેં જોયું કે મારી અડધી ચોટી કપાયેલી છે. બીજી તરફ, દમણના કેવડી ફળિયામાં પણ એક મહિલાની ચોટલી કપાઈ છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ મહિલાના પતિ નાઈટ શિફ્ટમાં ગયા હતા અને તે ઘરે પોતાના બાળક સાથે એકલી હતી. રાત્રીના સમયે તેને લાગ્યું હતું કે, તેના ઘરની બારીમાંથી કોઈ અંદર ઘૂસ્યું છે. આ અંગે શંકા પડતા મહિલાએ બારી પાસે જઈ જોયું પણ હતું. તે ખૂબ જ ડરેલી હતી અને તે વખતે જ તેને લાગ્યું કે તેનો ચોટલો કપાઈ ગયો છે. તેણે પોતાનો અડધો કપાયેલો ચોટલો જોતા તેણે બૂમાબૂમ કરી હતી, જેનાથી પાડોશીઓ દોડી આવ્યા હતા, અને પોલીસને બોલાવવામાં આવી હતી.