મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, છૂટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને અપાયો આખરી ઓપ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની સતત ત્રીજી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી, આરોગ્ય વિભાગની કામગીરી તેમજ અનાજ વિતરણ અને લોકડાઉનની સ્થિતી અંગે સર્વગ્રાહી ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જિલ્લામથકોએ કલેકટર કચેરીમાંથી આ વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટમાં સહભાગી થયા હતા. આ બેઠકમાં રાજ્ય મંત્રીમંડળે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
તદ્દઅનુસાર, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ અન્વયે રાજ્યના ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિધિઓમાં છૂટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે રાજ્ય સરકાર આ માસ્ટર પ્લાનની જાહેરાત કરશે. આ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કોઈ જિલ્લા, તાલુકા, નગર કે ગ્રામ્યકક્ષાએ પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરોને પ્રભારી મંત્રીઓના પરામર્શમાં રહીને માસ્ટર પ્લાન ઘડી તેનો અમલ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
વિજય રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મળેલી આ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે હિતકારી નિર્ણય લઈને ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે તે માટેની સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને એવી પણ તાકીદ કરી કે રાજ્ય સરકારે કપાસ પકવતા ખેડૂતોના હિતમાં નિર્ણય લઇને ઓઇલ-જીનીંગ મિલ ચાલુ રહે તે માટે જાહેરાત કરેલી છે તેવી ઓઇલ-જીનીંગ મિલ્સ ચાલુ રહે તેમજ મગફળીની પણ પૂરતી આવક બજારમાં થાય અને સીંગતેલ મિલ્સ પણ ચાલુ રહે તે બાબતે જિલ્લા કલેકટરો ધ્યાન આપે.
મુખ્યમંત્રીએ લોકડાઉનની હાલની સ્થિતિમાં રાજ્યના નાગરિકોને સરળતાએ અનાજ સહિતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે મહત્વપૂર્ણ એવી સપ્લાય ચેઇન જળવાઈ રહે તે જોવા પણ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને પોતાના વિસ્તારમાં આવેલી ફ્લોર મિલ્સ, રાઈસ મિલ્સ, દાળ મિલ્સ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવાની કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં એવી પણ સૂચનાઓ આપી કે, રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ કાર્યરત થઇ ગયા છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થાય તે પછી જણસી અનુસાર નિયત દિવસ, તારીખ અને સમયે જ ખેડૂતો માર્કેટયાર્ડમાં પોતાના ઉત્પાદનો વેચવા આવે તેવી વ્યવસ્થાઓ જિલ્લા કલેકટરો સુનિશ્ચિત કરે. તેમણે પ્રભારી મંત્રીઓના પરામર્શમાં રહીને રાજ્યના તમામ માર્કેટયાર્ડ શરૂ થઇ જાય તે જોવા પણ જિલ્લા કલેકટરોને જણાવ્યું હતું.
રાજ્યમાં હાલની સ્થિતીએ મોટાભાગના જિલ્લાઓમાં કોરોના ટેસ્ટીંગ પૂરતા પ્રમાણમાં થાય છે તેની સમીક્ષા કરી હતી. તેમણે બાકી રહેલા જિલ્લાઓમાં પણ આવનારા બે-ત્રણ દિવસોમાં ટેસ્ટિંગ કામગીરી વધુ સંગીન બનાવીને કોરોના પોઝિટીવ વ્યકિતઓની ઓળખ અને સારવાર વ્યવસ્થાઓ માટે પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
તેમણે રાજ્યમાં ઊનાળુ પાકના વાવેતરના સંદર્ભમાં આ વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરતાં કહ્યું કે, આશરે ૧૦ લાખ હેકટર વિસ્તારમાં ઊનાળુ પાકનું વાવેતર કરવામાં આવેલું છે. હાલ યુરિયા, ફોસ્ફેટ અને પોટાશ ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આંતરિક વિતરણ વ્યવસ્થાના અભાવે પ્રવર્તમાન સ્થિતીમાં કોઇ જગ્યાએ ખાતરની ઉપલબ્ધિની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી હતી.
રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 કાર્ડધારક મધ્યમવર્ગીય પરિવારોના અઢીથી ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડનું સરકારમાન્ય સસ્તા અનાજની ૧૭ હજાર જેટલી દુકાનો પરથી વિતરણ થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં રપ લાખ જેટલા આવા મધ્યમવર્ગીય પરિવારોએ અનાજ વિતરણનો લાભ મેળ્યો છે. આ અનાજ વિતરણ પણ સત્વરે પૂર્ણ કરવા તેમણે જિલ્લા તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી.