1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (11:40 IST)

યુક્રેનથી 27 વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર પહોંચતા મુખ્યમંત્રીએ આવકાર્યા, અન્ય વિદ્યાર્થીઓ કયારે પરત ફરશે તેવી વાલીઓની ચિંતા

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દરમિયાન અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા 
મળતો હતો. યુક્રેનથી ગઈકાલે મુંબઇ અને દિલ્લી આવેલા 44 વિદ્યાર્થીઓને ગુજરાતમાં પોતાના ઘેર લાવવામાં આવ્યા હતા. ત્યારે ઓપરેશન ગંગા અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં 
ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી પહોંચ્યા હતાં. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને 
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા. 
મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. આજે સવારે કુલ 27 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતાં.ગાંધીનગર,અમદાવાદ,વડોદરા, ભરૂચ,વલસાડ,સુરત,ગીર સોમનાથ,અમરેલી,સોમનાથ,સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સાત્વનાઓ પાઠવી હતી.તેમણે MEA દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો ટોલ ફ્રી નંબર 1800 118 797 ઉપરાંત +91 11 230 12 113, +91 11 230 14104, +91 11 230 17905, +91 11 230 88 124(FAX),નો સંપર્ક કરવા સૌનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત યુક્રેન,પોલેન્ડ,હંગેરી,રોમાનિયા,સોવલક રી પબ્લિક ખાતે પણ કંટ્રોલ રૂમ કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયા છે. એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.છેલ્લા બે દિવસમાં સરકારને યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓના સંદર્ભમાં કુલ 114 ફરિયાદો મળી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ગુજરાતના 100 વિદ્યાર્થીઓ મોડી રાત્રે વતન પરત ફર્યા હતાં. મેડિકલના અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. કેટલાંય વિદ્યાર્થીઓ 20-30 કિમી સુધી ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા છે. ઘણાં મેટ્રોરેલ સ્ટેશન અને પેટ્રોલ પંપ પર આશરો લીધો છે.ઘણાં બંકરોમાં પુરાયા છે. યુધ્ધની સ્થિતી વધુને વધુ વણસી રહી છે ત્યારે સંતાનો કયારે પરત ફરશે તેની વાલીઓને ચિંતા સતાવી રહી છે.ગુજરાતી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાને પણ હેલ્પલાઇન શરૂ કરી છે. રાજ્ય સરકારે પણ ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.સતત બીજા દિવસે પણ 64  ફોન અને ઇમેલથી ફરિયાદો મળી હતી. છેલ્લા બે દિવસમાં કુલ 114 ફોન-ઇમેલથી ગુજરાતી વિદ્યાર્થીઓને લગતી ફરિયાદો સરકારને મળી છે. આ ફરિયાદો આધારે યુક્રેનમાં કુલ 587 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ જાણવા મળ્યુ છે. મુંબઇ ખાતે એર ઇન્ડિયાની ફલાઇટ આવી હતી જેમાં ગુજરાતના 56 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતાં. જયારે દિલ્હી ખાતે  એર ઇન્ડિયાની ફલાઇટ પહોંચી હતી જેમાં વધુ 44 ગુજરાતી વિદ્યાર્થીઓ હેમખેમ રીતે પરત ફર્યા હતાં.ગુજરાત સરકારે મુંબઇથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસોની વ્યવસ્થા કરી હતી.