1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (09:43 IST)

રસ્તામાં આવા લોકોની મદદ કરતાં સો વાર વિચારજો, નહીતર પસ્તાવો... વાંચી લો આ કિસ્સો

રસ્તામાં ઘણી વાર કોઇ વાહનચાલક જો ગાડીને ધક્કો મારીને જતો હોય તો રસ્તે ચાલતા લોકો આવા લાકોની મદદ કરતાં હોય છે. તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે જોઇને કોઇ વ્યક્તિ ખરેખર મુશ્કેલીના સમયમાં ફસાયેલી હોય તો પણ આપણે મદદ કરતા ખચકાઇશું.
 
ગાંધીનગર હાઇવે પર જતાં એક વ્યક્તિને આવો કડવો અનુભવ થયો છે. એક્ટિવામાં પેટ્રોલ ખુંટ્યું છે તેવું કહી પેટ્રોલ પંપ સુધા ધક્કો મરાવ્યો અને પેટ્રોલ પંપ આવતાં ગઠિયો બાઇક લઇ રફ્ફુચક્કર થઇ ગયો. એક્ટિવામાં પેટ્રોલ ખૂટી ગયું હોવાનુ કહીને એક બાઈક ચાલક પાસે ગઠીયાએ પેટ્રોલ પંપ સુધી ધક્કો મારી આપવાની મદદ માંગી. જો કે બાઈક ચાલક એ ધક્કો મારતા ન ફાવતું હોવાથી ગઠીયા પોતે ફરિયાદીની બાઇક લઈને ફરિયાદીને તેનું એક્ટિવા આપ્યું. પરંતુ જ્યારે પેટ્રોલ પંપ આવ્યો ત્યારે આ ગઠિયો ફરિયાદીનું બાઈક લઇને રફુચક્કર થઈ ગયો હતો.
 
ગાંધીનગરના જમિયતપુરામાં રહેતાં અને કેટરર્સનું કામ કરતા વિસત પટેલ ગઈકાલે સાંજના સમયે કલોલ જમિયતપુરા પાસેથી પસાર થઇ રહ્યાં હતાં, તે દરમિયાન શેરથા ટોલટેક્સ પસાર કરીને ટોલટેકસની ઓફિસ નજીક પહોંચતા જ એક એક્ટિવા ચાલક કે તેઓને રોકીને તેના એક્ટિવામાં પેટ્રોલ ખૂટી ગયું હોવાથી પેટ્રોલ પંપ સુધી ધક્કો મારી આપવા માટેની મદદ માંગી હતી. જેથી ફરિયાદીએ માનવતાના ધોરણે મદદના આશયથી પોતાના બાઈક વડે એકટિવાને ધક્કો મારવા લાગ્યો હતો, પરંતુ તેમને તે ફાવ્યું ન હતું, જેનો લાભ ગઠિયો લઇ ગયો. જેથી ફરિયાદીએ તેનું બાઈક આરોપીને આપી અને આરોપીનું એકટીવા પોતે ચલાવવા લીધું હતું.
 
ધક્કો મારતા મારતા બંન્ને અડાલજ પેટ્રોલ પંપ સુધી પહોંચ્યા હતાં, જો કે આ દરમ્યાન ફરિયાદી આરોપીનું એકટિવા લઇ પેટ્રોલ પંપ પહોંચ્યો ત્યારે આરોપી ફરિયાદીનું બાઇક લઇને અડાલજ તરફ રફુચક્કર થઇ ગયો હતો. ફરિયાદીએ તેને ઉભો રાખવા માટે બૂમાબૂમ પણ કરી હતી પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ ફરિયાદીને પોલીસને કરતા જ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે. પ્રાથમિક તબક્કે આરોપીએ ફરિયાદીને ચલાવવા આપેલું વાહન ચોરીનું છે કે માત્ર સ્ટંટ કરવાના ઇરાદે આરોપીએ આવું કૃત્ય કર્યુ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.