1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , શનિવાર, 25 માર્ચ 2023 (18:06 IST)

ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે

cm bhupendra
કર્ણાટકના બેંગ્લૂરૂ ખાતે ‘સદાકાળ ગુજરાત’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
અત્યાર સુધી 4480 જેટલા ગુજરાતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું 
 
ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ નેતાઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના પ્રવાશે જઈ ચૂંટણી પ્રચાર કરશે. કર્ણાટકમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. હાલમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ત્યાં પ્રચાર પુરજોશમાં શરૂ કરી દેવાયો છે. ત્યારે ત્યાં રહેતા ગુજરાતીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી બેઠકો કરશે. સીએમ બન્યા બાદ તેઓ પ્રથમ વખત અન્ય રાજ્યમાં જઈને ચૂંટણીનો પ્રચાર કરશે.આવતી કાલે કર્ણાટકમાં  'સદાકાળ ગુજરાત' કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. કર્ણાટકના બેંગ્લૂરૂ ખાતે ‘સદાકાળ ગુજરાત’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
 
4480 જેટલા ગુજરાતીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
રાજ્યના ગૃહ અને બિન નિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યુ છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્ણાટકના બેંગ્લોર ખાતે 26 માર્ચના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં જુદા-જુદા 84 જેટલા ગુજરાતી સંગઠનો અને સમાજો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અત્યાર સુધી 4480 જેટલા ગુજરાતી ભાઇ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. સાંજે પાંચ કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે ત્યારબાદ સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે અને બપોરના સેશનમાં જૂથ ચર્ચાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત અમરેલી, અમદાવાદ  અને કચ્છ જિલ્લાના અગ્રણી ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરશે. 
 
વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવમાં આવશે
આ કાર્યક્રમમાં કર્ણાટકના જુદા જુદા શહેરોના આમંત્રિત બિન-નિવાસી ગુજરાતીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરી, સિદ્ધિઓ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવમાં આવશે અને કર્ણાટક રાજ્યના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા કર્ણાટક અને બેંગ્લોરમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા મહાનુભાવોનું સન્માન કરાશે.