બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (11:36 IST)

10 વર્ષના બાળકને જન્મથી જ ડાયાબિટીસ હોવાનું કહી વળતરના ધાંધિયા કરનારી વીમા કંપનીને દંડ

તાવ, શરદી અને કફની તકલીફને લીધે હોસ્પિટલમાં દાખલ કરેલા 10 વર્ષના દીકરાને વીમા કંપનીએ ડાયાબિટીસ હોવાનું બહાનું કાઢીને વળતર નહીં ચૂકવતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સામે અરજી કરાઇ હતી. વીમા કંપનીએ 10 વર્ષના દીકરાને જન્મજાત ખોડખાંપણ (ડાયાબિટીસ) હોવાનું કારણ ધરીને ટોન્સિલના ઓપરેશનના નાણા કલેઇમમાં આપવા ઇન્કાર કર્યો હતો. જેની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વળતર મેળવવા અરજી કરાઇ હતી.

એચ.જે ધોળકિયાની ખંડપીઠે વીમા કંપનીને દીકરાના ઓપરેશનની રકમ 7 ટકા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો છે. ઉપરાંત અરજી કરવાનો ખર્ચો અને માનસિક ત્રાસ આપવા બદલનો પણ ખર્ચ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.અનિલકુમાર ચાવડાના 10 વર્ષના પુત્રને શરદી, ઉધરસ અને તાવની તકલીફ વધતા તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબે તેના ટોન્સિલની સારવાર કરી હતી. હોસ્પિટલમાં 4 દિવસ દાખલ કર્યા બાદ તેની સારવારનો ખર્ચો રૂ.48820 થયો હતો. પરતું વીમા કંપનીએ દીકરાને જન્મજાત ડાયાબિટીસ હોવાનું કારણ આપીને વળતર આપવા ઇન્કાર કર્યો હતો. વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે, જન્મજાત ડાયાબિટીસ ધરાવતો હોવા છતા તેના માતા-પિતાએ હકીકત છુપાવી છે. પુત્રને ડાયાબિટીસ છે તે વાતથી અજાણ પિતાને હોસ્પિટલમાં દાખલ થયા પછી પુત્રને ડાયાબિટીસ હોવાની ખબર પડી હતી. પરતું વીમા કંપનીએ તેને સ્વીકાર કર્યા વગર વળતર ચૂકવવા ઇન્કાર કરી દીધો હતો.

ફરિયાદીએ એવી દલીલ કરી હતી કે તેમના દીકરાએ ભૂતકાળમાં કયારેય ડાયાબિટીસની સારવાર કરાવી નથી, તેણે કયારેય દવા લીધી નથી. તેને પોતાને પણ કયારેય દીકરાને ડાયાબિટીસ છે તેની જાણ નથી. તેથી કોઇ માહિતી છુપાવી નથી. તેમનો દીકરો પહેલા કયારેય હોસ્પિટલમાં દાખલ થયો નથી. તેથી મેડિકલેઇમ રિજકેટ કરી શકાય નહીં.ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે એવી દલીલ કરી હતી કે, દર્દીને જન્મજાત ડાયાબિટીસ હોવાની જાણ નહોતી. ટોન્સિલની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેને ડાયાબિટીસની જાણ થઇ છે. કોર્ટે આ દલીલને ગ્રાહ્ય રાખીને વીમા કંપનીને વીમાની રકમ 7 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે. સાથે એવું અવલોકન કર્યુ છે કે દર્દીને જન્મજાત ખોડખાંપણ હોવાની જાણ ન હોય તો વીમા કંપનીએ વળતર ચૂકવવું પડે. વીમા કંપનીએ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરી છે તે ચલાવી શકાય નહી. વીમા ધારકને તેના પ્રીમિયમનું પૂરેપૂરું વળતર ચૂકવવું ફરજિયાત છે.