શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (13:06 IST)

પરપ્રાંતિયોને ભગાડવા મુદ્દે સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા આદેશ

ગુજરાતમાંથી બિહારીઓને ભગાડવાના મામલામાં મુઝફ્ફરપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરના એસડીજેએમ કોર્ટે બંનેની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર સ્થિત કાંટી પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો છે.
સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમીએ મુઝફ્ફરપુર કોર્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકુર પર બિહારીઓને અપમાનિત કરીને ગુજરાતમાંથી ભગાવવાનો આરોપ લગાવત પરિવાદ પત્ર દાખલ કર્યો હતો. આ મામલે સુનવણી કરીને એસડીજેએમ વેસ્ટ સબા આલમની કોર્ટે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
અહીયાપુર પોલીસ સ્ટેશનના ભીખનપુરમાં રહેતા તમન્ના હાશમી એક સામાજિક કાર્યકર્તા છે. તેઓએ ગત 9 ઓક્ટોબર, 2018ના રોજ કોર્ટમાં બંને નેતાઓની વિરુદ્ધ પરિવાદ પત્ર દાખલ કર્યો હતો. જે અંતર્ગત એસડીજેએમ વેસ્ટ સબા વિસ્તારના કોર્ટના મામલે સુનવણી કરતા કાંટી પોલીસ સ્ટેશનને કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 
ગત વર્ષે ગુજરાતમાં એક બાળકી પર દુષ્કર્મ કરવાને મામલે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને ગુજરાતમાંથી બિહારીઓને હાંકી કાઢવાના બનાવો બન્યા હતા. ગુજરાતમા વસતા અનેક પરપ્રાંતીયો પર હુમલા કરવામાં આવ્યા હતા. જેને કારણે રાજ્યભરમાંથી અનેક પરપ્રાંતીયો હિજરત કરવા લાગ્યા હતા. એક્ટિવિસ્ટ તમન્ના હાશમી અગાઉ વિવાદાસ્પદ પકોડા કોમેન્ટ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે પણ ફરિયાદ કરી ચૂક્યા છે. ગત મહિને તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની સંપત્તિ અંગે પણ અદાલત સમક્ષ અરજી કરેલી છે.