શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (15:28 IST)

ગુજરાતમાં લંપટ શિક્ષકો સામે લોકોએ ફિટકાર વરસાવી, રાજુલામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું

rape case
- રાજુલામાં એક શિક્ષકે વિદ્યાર્થિનીના ઘરે જઈ બે વાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
- લંપટ શિક્ષક મોહિત જીંજાળાની ધરપકડ
- આ બનાવમાં તેની સાથે કોઈ મદદગારીમાં છે કે નહીં એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે


અમરેલીના રાજુલામાં એક શિક્ષકે વિદ્યાર્થિનીના ઘરે જઈ બે વાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાંની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી લંપટ શિક્ષકોને ઝડપી પાડ્યા છે.

રાજુલા-મહુવા પંથકની એક શાળામાં બાયોલોજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહિત જીંજાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મોહિત જીંજાળાએ શાળાની જ એક સગીર વિદ્યાર્થિનીના ઘર પર જઈ બેવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. આ મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે લંપટ શિક્ષક મોહિત જીંજાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે ડીવાયએસપી હરેશ વોરાએ જણાવ્યું હતું કે આરોપી શિક્ષક જે શાળામાં નોકરી કરે છે એ શાળાની જ એક વિદ્યાર્થિની ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે, જેના ઘર પર રાત્રિના સમયે પહોંચી આરોપી શિક્ષકે બેવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે અને આ બનાવમાં તેની સાથે કોઈ મદદગારીમાં છે કે નહીં એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના કોસિન્દ્રા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કિરણ બુધાભાઈ વાળંદે શારીરિક અડપલાં કર્યાંની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભોગ બનનારી વિદ્યાર્થિનીઓના વાલીઓએ જણાવ્યું હતું કે તેમની દીકરીઓ છેલ્લા એક મહિનાથી સ્કૂલે જવાનો ઈનકાર કરતી હતી. અમે પૂછીએ તો તે કંઈ કહેતી ન હતી, પરંતુ હિંમત આપીને પૂછપરછ કરતાં શાળાના શિક્ષક તેના શરીર પર હાથ ફેરવતા હોવાનું જણાવ્યું હતું.આ બાબતે શુક્રવારે વાલીઓને જાણ થતાં મોટી સંખ્યામાં શાળા પર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ શિક્ષકોને મેથીપાક પણ ચખાડ્યો હતો. શિક્ષકને કડકમાં કડક સજા મળે એવી વાલીઓએ માગ કરી હતી.