શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (14:14 IST)

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ નારાજગી સાથે રાજીનામું પાછું ખેંચી લીધું, કહ્યું, એવું કામ નહીં કરું જેનાથી પક્ષને નુકસાન થાય

ગોમતીપુરમાં લોકોએ ધારાસભ્ય શૈલેષ પરમારના પૂતળાને ખાસડાનો હાર પહેરાવી વિરોધ કર્યો હતો
ટિકીટ નહીં મળતાં નારાજ થયેલા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે રાજીનામું આપ્યું હતું
 
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગઈ કાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું ધરી દીધું હતું. જ્યારે આજે તેમણે નારાજગી સાથે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. એવું કામ નહીં કરું કે પક્ષને નુકસાન થાય. મનદુઃખ જરૂર થયું છે પંરતુ પાર્ટીએ આપેલા આશ્વાસનથી તેમણે સંતોષ હોવાનો પણ દાવો કર્યો. ઈમરાન ખેડાવાલા આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવાના હતા પરંતુ અમિત ચાવડા સાથે વાતચીત બાદ તેમણે આ નિર્ણય માંડી વાળ્યો છે. ખેડાવાલાએ કહ્યુ કે, પક્ષે જેમને ઉમેદવાર બનાવ્યા છે તેમના માટે પણ તેઓ કામ કરશે જ.
4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી ખેડાવાલાએ નારાજગી વ્યક્ત કરી હતી
કોંગ્રેસના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારીપત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ બે ઉમેદવારને મેન્ડેટ આપતા તેમણે પણ ફોર્મ ભર્યાં હતાં. આથી નારાજ ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામું આપવાની ઉચ્ચારી હતી.ખેડાવાલાની હાજરીમાં બહેરામપુરામાં કમરુદ્દીન પઠાણ, તસ્લીમ આલમ તીરમીજી, કમળા ચાવડા, નાઝીમા રંગરેજની ઉમેદવારી નક્કી થતાં તેમને મેન્ડેટ અપાયા હતા, જેને આધારે તેમણે શનિવારે ઉમેદવારીપત્રક ભર્યાં હતાં. આ પછી એકાએક બીજા બે રફીક શેઠજી, શાહજાબાનુ અંસાલીને ઉમેદવારીપત્રક ભર્યું હતું. એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી.
ગોમતીપુરમાં લોકોએ ધારાસભ્ય શૈલેષ પરમારના પૂતળાને ખાસડાનો હાર પહેરાવી વિરોધ કર્યો
મોડી રાત્રે ગોમતીપુર વિસ્તારમાં શૈલેષ પરમારના ફોટોને ખાસડાનો હાર પહેરાવીને મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. ટોળાએ માર્ગ પર એકઠા થઈને શૈલેષ પરમાર વિરૂધ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમાં બાળકો પણ જોડાયા હતા. ઉમેદવારની પસંદગીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
ટિકીટ નહીં મળતાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે રાજીનામું આપ્યું હતું
અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ વહેંચણીમાં ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે ટિકિટ માગી હતી.તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા. ગુસ્સે ભરાયેલાં સોનલ પટેલે નેતાઓની પોલ ખોલતાં કહ્યું હતું કે, ‘નેતાઓ તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે.’સોનલ પટેલે ત્યાં સુધી કહી દીધું હતું કે, ‘મારે ધોળા વાળ થઈ ગયા,મારી જેવી વયોવૃદ્ધને કોણ ટિકિટ આપે, જે બહેન-દીકરી ગમતી હોય તેને અને રૂપાળી હોય તેને ટિકિટ આપે. તેમણે ટિકિટ નહીં પણ તેમનું અપમાન થયું છે, તેને જિંદગીભર નહીં ભૂલવાનું કહ્યું હતું. જોકે તેમણે કાર્યકર તરીકે રહીશ તેમ કહ્યું હતું. સોનલ પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.