1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (10:02 IST)

CR પાટીલ કૃષ્ણ અને રુક્મિણીને બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા, લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે પાટીલ માફી માગે: મોઢવાડિયા

modhvadiya patil
પોરબંદરના માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. સી.આર. પાટીલના આ નિવેદન અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે સી.આર પાટીલ માફી માગે એવી માગ કરી છે.

સી.આર. પાટીલના નિવેદનનો અર્જુનભાઈ મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે જેમને એ ખબર નથી કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીનો શો સંબંધ છે તે આજે હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બનાવીને ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવ્યું છે. લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે સી.આર પાટીલ માફી માગે.પોરબંદરના માધવપુરનો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં તેમણે કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્ય હતા. ત્યાર બાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહીને ગયા બાદ પાટીલે રુક્મિણીનો ઉલ્લેખ કર્યો હતો.

આ મેળામાં આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે બધા ભેગા થયા છીએ, આ પ્રસંગ છે વર્ષો પહેલાંનો ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાના વિવાહનો. આ અનુસંધાને જિલ્લાકક્ષાએ અહીં મેળો ભરાય છે અને એમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે. જોકે સી.આર પાટીલ આટલું બોલ્યા બાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહીને ગયા બાદ તેમણે રુક્મિણીનો ઉલ્લેખ કરી પોતાની ભૂલ સુધારી હતી.