કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ, હોળી બાદ નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની ચર્ચા
ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વાર નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ સેવાઈ રહી છે. હોળી પછી ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર આવશે અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સ્થાને નવા પ્રમુખ તથા નવી ટીમ આવશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું છે. આ ફેરફારના કારણે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે. રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ બન્યા એ પછી તેમણે હજુ પોતાની નવી ટીમની રચના નથી કરી. માર્ચ મહિનામાં દિલ્હીમાં કોંગ્રેસ કારોબારીની બેઠક મળશે અને એ વખતે રાહુલ ગાંધીની નવી ટીમની જાહેરાત કરાશે. સાથે સાથે મહત્વનાં રાજ્યોના પ્રદેશ પ્રમુખો પણ બદલાશે ને તેમાં ભરતસિંહ સોલંકીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાવાની છે. આ વખતે કોંગ્રેસ બે બેઠકો જીતી શકે તેમ છે. કોંગ્રેસમાંથી બે બેઠકો માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને એઆઇસીસીના મહામંત્રી દીપક બાબરીયાના નામો ચર્ચામાં છે. ભરતસિંહને રાજ્યસભામાં મોકલીને નવા પ્રદેશ પ્રમુખ લવાશે. ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસની બેઠકો વધતાં રાજયસભામાં પણ કોંગ્રેસને એક બેઠક વદારે મળે તેવી શક્યતા છે. કોંગ્રેસની બે બેઠક જીતવાની શકયતા ઉજળી બની છે. ગત વિધાનસભામાં કોંગ્રેસની 57 બેઠકો હતી જયારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને થઈ છે. ભરતસિંહના સ્થાને કોને પ્રદેશ પ્રમુખ બનાવવા તે અંગે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ ઓબીસીમાંથી જ કોઈને પ્રદેશ પ્રમુખ બનાવશે તેવી શક્યતા છે. પટેલ ધારાસભ્ય પરેશ ધાનાણી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનતાં સંતુલન જાળવવા ઓબીસી સમાજની વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવાશે એ નક્કી છે. હાલમાં પ્રદેશ પ્રમુખપદે કુંવરજી બાવળિયાની વરણીની શક્યતા છે. કોંગ્રેસ કોઈ યુવા ઓબીસી નેતાની વરણી કરવા માગે છે પણ સામે જ્ઞાતિવાદી સમીકરણોને પણ ધ્યાનમાં રાખવા પડે તેમ છે તેથી બાવળિયા પ્રબળ દાવેદાર છે. બાવળિયા કોળી સમાજના છે તેથી તેમની શક્યતા વધારે છે. હાલમા કોળી સમાજ ભાજપથી નારાજ છે. પરષોતમ સોલંકીના મામલે કોળી સમાજ વિફરેલો છે ત્યારે બાવળીયાને પ્રદેશ પ્રમુખ બનાવીને કોંગ્રેસ કોળી સમાજને પોતાની તરફ વાળવાનો દાવ ખેલશે. બાવળિયાને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ના બનાવાયા તેના કારણે વ્યાપેરી નારાજગી પણ દૂર કરાશે.