મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , સોમવાર, 27 માર્ચ 2023 (13:40 IST)

વિધાનસભામાં રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસનો હોબાળો, એક દિવસ માટે કોંગી ધારાસભ્યો સસ્પેન્ડ

congress
કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરીને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું
 
ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ, વીજળી પરિયોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થવાની હતી. પરંતુ તે પહેલાં જ કોંગ્રેસના સભ્યોએ કાળા કપડાં પહેરીને ગૃહમાં આવતાં જ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો રાહુલ ગાંધીને લઈને વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. જેથી તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. 
 
કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન
સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડાં પહેરીને વિરોધ કરી રહ્યાં હતાં. રાહુલ ગાંધી મુદ્દે પ્લે કાર્ડ લઈને ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો. ગૃહમાં હોબાળો થતાં જ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષી દળના સાંસદોએ કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે સંસદ ભવનમાં વિરોધ કર્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 
 
કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીની સાથે ઉભો છે.
કોંગ્રેસ દળના નેતા અમિત ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે દેશમાં નવા અંગ્રેજોનું શાસન સ્થાપિત થયું છે. દેશની સંપત્તિ પોતાના મિત્રોને લૂંટાવાની છુટ આપવામાં આવી છે. અંગ્રેજોના શાસનમાં આઝાદી માટે મહાત્મા ગાંધીજી લડતા હતાં. આજના નવા અંગ્રેજો સામે રાહુલ ગાંધી લડી રહ્યાં છે. આ 56ની છાતી વાળી સરકાર ચીન સામે કેમ ચૂપ છે. અદાણીના સવાલો સામે સરકાર ચર્ચાઓ કરવા માટે કેમ તૈયાર નથી. જેપીસીની માંગ સામે સરકાર કેમ ચૂપ છે. દેશમાં લોકતંત્રને જીવતુ રાખવા માટે રાહુલ ગાંધી આ સરકાર સામે લડી રહ્યાં છે.આજે કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીની સાથે ઉભો છે.