ગુજરાતમા હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો,રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના મોત
ગુજરાતમાં એટેકના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ગઈકાલે એક યુવાન અને એક પ્રૌઢનું મોત થયું હતું, જ્યારે આજે ફરી એક યુવાન અને એક પ્રૌઢનું મોત થતાં શોકની લાગણી છવાઇ છે.
પ્રોફેસર અને કારખાનેદારનું હાર્ટ એટેકથી મોત થતાં પોલીસે બન્ને બનાવમાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. તો બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીને ફરજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પૂર્વે જ તેમનું પણ મોત થતાં પોલીસબેડામાં શોક પ્રસર્યો છે.
રાજકોટ-જામનગર રોડ પર નાગેશ્વરમાં સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રોફેસર મિતેશ બાબુલાલ ચૌહાણ (ઉં.વ.44) રાતે એકાદ વાગ્યે ઘરે હતા. ત્યારે એકાએક છાતીમાં દુખાવો ઉપડતાં બેભાન થઇ ગયા હતા. એ જ સમયે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહિ સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. મિતેશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
મિતેશભાઈ કચ્છની નવોદય વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમના પત્ની પણ કચ્છ ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પતિ-પત્ની દિવાળીની રજા નિમિતે બે-ત્રણ દિવસ પહેલાં જ રાજકોટ મૂળ વતનમાં આવ્યાં હતાં. ગત રાતે જ પતિ-પત્ની બજારમાંથી દિવાળીની ખરીદી કરીને આવ્યાં હતાં. ત્યાં મોડી રાતે એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો અને મૃત્યુ થયું હતું.બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા કાંગસિયાળીમાં ટોયોટાના શો રૂમ પાછળ એટલાન્ટિકા હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં સાતમા માળે રહેતાં કેતન મોહનભાઇ હીંગરાજિયા (ઉં.વ.51) રાતે 11 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી પોતાના ફ્લેટમાં સાતમા માળે જવા લિફ્ટમાં બેઠા હતા. ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા, પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરકાવ થઇ ગયાં હતાં. મૃત્યુ પામનાર શાપરમાં કારખાનું ચલાવતા હતા. તેઓ ત્રણ ભાઇમાં મોટા હતા, સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીને ફરજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થતાં પોલીસબેડામાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
દાંતા તાલુકા વતની 57 વર્ષીય સાયબાભાઇ જોરાભાઇ પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. આ દરમિયાન મંગળવારે મોડી સાંજે ફરજ દરમિયાન સાયબાભાઇને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા. સાયબાભાઇ અચાનક ઢળી પડતા અન્ય પોલીસકર્મીઓ તરત તેમને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું