શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ડિસેમ્બર 2020 (09:39 IST)

કોરોનાની સાજા થઇ ગયા બાદ જોવા મળે છે સાઇડ ઇફેક્ટ, 9ના મોત

જો તમને કોરોના થયો છે અને તમે કોરોના સામે લડીને જીત મેળવી લીધી છે, તો વધુ ખુશ થવાની જરૂર નથી. એન્ટી બોડી જનરેટ થયા બાદ ખુશ થનાર લોકો એક નવી બિમારીનો પડકાર આવી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ બીમારી જોવા મળી રહી છે. અત્યાર સુધી 44 દર્દીઓ સામે આવ્યા છે. આ બીમારીથી સિવિલમાં અંદાજે 20 ટકા દર્દીઓ એટલે કુલ 9 દર્દીઓના મોત થયા છે. 
 
કોરોનાથી સાજા થયેલા પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઈપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજનાં હાડકાંને કોરી ખાતી મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીનું જોખમ છે. 
 
સિવિલ હોસ્પિટલનાં ઇએનટીના હેડએ જણાવ્યું હતું કે કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બિમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું તેમ જ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી હોય છે, જે દર્દીનાં અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપથી પ્રસરે છે.
 
કોરોના થવાને લીધે દર્દીની લોહી નળીમાં લોહીના ગઠ્ઠા થાય છે તેમ જ કોરોનાના દર્દીને સ્ટેરોઇડ આપવાને કારણે સુગર લેવલ પણ વધી જતું હોય છે, પણ જે દર્દી કોરોનામાંથી સાજા થયા હોય પણ તેમને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા હોય તેવા લોકોને નાક અને કાનનું સામાન્ય ઇન્ફેકશન થયા બાદ ફંગસ થાય છે. આ દર્દીમાં અન્ય વ્યક્તિ કરતાં ફંગસનો ગ્રોથ વધુ (એસીડોસીસ) થાય છે, જેથી દર્દીના મોં પર સોજો, શરદી અને નાકમાં કાળાશ દેખાય તો ઇએનટી ડોકટર પાસે તાત્કાલિક તપાસ કરાવવી પડે છે.
 
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે. 
 
આ દર્દીઓ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાંથી સારવાર માટે આવી રહ્યા છે. આ રોગની સારવાર માટે સંપૂર્ણ સુવિધા તેમજ અનુભવી તબીબો ઉપલબ્ધ છે. આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો અંદાજે 5 લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવાનો ખર્ચ અંદાજે 3 લાખ તેમજ 2 લાખ રૂપિયાની દવાઓની જરૂર પડે છે.